સરકારી દસ્તાવેજો, સરકારી વેબસાઈટના આંકડાની ચકાસણી કરતાં સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું , જેનું અસ્તિત્વ જ નથી એવી એજન્સીઓ સાથે મળીને બાબુઓએ કોલસાકૌભાંડ આચર્યું.
કોલ ઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી નીકળતો કોલસો ગુજરાતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાને બદલે ગુજરાત સરકાર દ્વારા નામાંકિત કરાયેલી એજન્સીઓ બારોબાર અન્ય રાજ્યોના ઉદ્યોગોને વેચી દે છે અને તગડો નફો કમાઈ લે છે. દિવ્ય ભાસ્કરે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લાં 14 વર્ષથી આ રીતે આવતો કોલસો આ એજન્સીઓએ કાળાબજારીમાં વેચી દઈ 6 હજાર કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ આચર્યું છે. ભાસ્કરે સરકારી વિભાગના એ તમામ અધિકારીઓ, કોલસા ટ્રાન્સપોર્ટ ચેઈન સાથે સંકળાયેલા પદાધિકારીઓ પાસે જ્યારે કોલસો ગાયબ થવાની હકીકત જાણવા પ્રયાસ કર્યો તો દરેકે આ મુદ્દે ‘નો કોમેન્ટ્સ’ કહીને મૌન સાધી લીધું છે.
દસ્તાવેજો અનુસાર અત્યારસુધી કોલ ઈન્ડિયાની ખાણોમાંથી ગુજરાતના વેપારીઓ માટે 60 લાખ ટન કોલસો મોકલવામાં આવ્યો હતો. પ્રતિ ટન સરેરાશ રૂ.3000ના ભાવના હિસાબે એની કિંમત રૂ.1800 કરોડ થવા જાય છે. જોકે કોલસાનો આ જથ્થો લાભાર્થી નાના વેપારી અને લઘુ ઉદ્યોગોને વેચવાને બદલે રૂ. 8થી 10 હજાર પ્રતિ ટનના ભાવે વેચી દેવામાં આવે છે.
ડમી નામથી ચાલતી અથવા જેનું અસ્તિત્વ જ નથી એવી એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ-પદાધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ ચલાવી રહ્યા છે. જો સાવ સંકુચિત અંદાજ લગાવીએ તો આ કોલસાના કાળા કારોબાર પાછળ અત્યારસુધીમાં 6 હજાર કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ થયું હોવાનું દિવ્ય ભાસ્કરની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયના સચિવ અનિલ જૈને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નીમેલી એજન્સીઓ(એસએનએ)ને કોલસો અપાઇ જાય પછી અમારી ભૂમિકા પૂરી થઇ જાય છે.
આ અંગે કોલ ઇન્ડિયાના ડિરેક્ટર સત્યેન્દ્ર તિવારીએ કહ્યું હતું કે એજન્સીઓની નિમણૂક કરવી એ જે-તે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની જવાબદારી છે. આ અંગે કોઇપણ બાબત ધ્યાનમાં આવી હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગનું ધ્યાન દોરવું જોઇએ, જેમાં જે કોઇપણ પુરાવા હોય એ પણ સામેલ કરવા જોઇએ. રાજ્ય સરકારનો ગૃહ વિભાગ અમને જે માહિતી આપશે એના આધારે સંબંધિત કોલસા કંપની જરૂરી પગલાં ભરીશું.
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ તરફથી કોલ ઈન્ડિયાને રાજ્યના લઘુ ઉદ્યોગો માટે દર વર્ષે જરૂરી કોલસાના જથ્થા સહિતની વિગતો સાથે એક યાદી મોકલવામાં આવે છે. આ યાદીની સાથે સ્ટેટ નોમિનેટેડ એજન્સી (SNA)ની યાદી પણ મોકલવામાં આવે છે. એસએનએનો અર્થ છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એ એજન્સી જે રાજ્ય સરકાર તરફથી કોલ ઈન્ડિયા પાસેથી કોલસો લઈને રાજ્યના લાભાર્થી લઘુ ઉદ્યોગો- નાના વેપારીઓ સુધી પહોંચાડવા માટે અધિકૃત છે. હા, આ કામના બદલામાં તે માત્ર ટ્રાન્સપોર્ટ અને કોલસાની કિંમતના 5 ટકાના હિસાબે સર્વિસ ટેક્સ વસૂલી શકે છે. ત્યાર પછી જ આ કોલસાના જથ્થામાંથી તે લઘુ ઉદ્યોગો અને નાના વેપારીઓ, જેમની જરૂરિયાત વાર્ષિક 4200 ટન અથવા એનાથી પણ ઓછી છે તેને બજાર ભાવથી ઓછા દરે કોલસો ઉપલબ્ધ કરાવવાનો હોય છે.
ગુજરાત સરકાર દ્વારા નીમવામાં આવેલી એજન્સી ‘ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસિયેશન’ના સંચાલક અલી હસનૈન ડોસાણીએ જણાવ્યું હતું કે અમે અમારા મોટા ભાગનો કોલસો દક્ષિણ ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને આપીએ છીએ, આથી દિવ્ય ભાસ્કરે દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનના જિતેન્દ્ર વખારિયાનો સંપર્ક કર્યો. જિતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે ‘હું 45 વર્ષથી આ ધંધામાં છું. અમને આજ સુધી આવી યોજના અંતર્ગત ક્યારેય પણ કોઈપણ પ્રકારનો કોલસો મળ્યો નથી.’
શિહોર ખાતેના ઉદ્યોગ જય જગદીશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝને લાભાર્થી દર્શાવાયા છે. જય જગદીશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના જગદીશ ચૌહાણે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ‘મને તો એ પણ ખબર નથી કે અમને સરકાર તરફથી કોઈ કોલસો પ્રાપ્ત થાય છે. આ બાબતે અત્યારસુધી અમારો કોઈ સંપર્ક પણ સાધવામાં આવ્યો નથી. અમે તો સ્થાનિક બજારમાંથી જ કોલસો ખરીદીએ છીએ.’ એ એન્ડ એફ ડિહાઈડ્રેટિસ ફૂડ્સના શાનુ બદામીએ કહ્યું હતું કે ‘આવા કોઈ કોલસાનો જથ્થો અમને હજુ સુધી ક્યારેય મળ્યો નથી. અમે મોટા ભાગની જરૂરિયાતનો કોલસો જીએમડીસીની ખાણોમાંથી ખરીદીએ છીએ અથવા આયાતી કોલસો જ ખરીદીએ છીએ. હવે કોલસો અમને મોંઘો પડે છે.
‘કોલ ઈન્ડિયા’માં ટોચના પદ પર રહી ચૂકેલા એક અધિકારીએ કહ્યું, ‘ગુજરાતમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત સરકારે તો ખરેખર કોલ ઈન્ડિયાને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાની હોય છે, પરંતુ ગુજરાત સરકાર આ બાબતે પણ ગોલમાલ આચરતી રહી છે. સાચી માહિતી-વર્ણન હોવા છતાં ગોલમાળ માહિતી ઉપલબ્ધ કરાવાય છે.’
એજન્સીઓ દર વર્ષે ગુજરાતના લાભાર્થી ઉદ્યોગોના નામથી કોલસાનો જથ્થો કોલ ઈન્ડિયા પાસેથી ખરીદે તો છે, પરંતુ એને લાભાર્થીઓને આપવાને બદલે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી અબજો રૂપિયાની કમાણી ઓહિયા કરી ગયા છે. આ ખેલ માટે આ એજન્સીઓએ નકલી બિલ બનાવી ઈન્કમટેક્સ, સેલ્સટેક્સ અને જીએસટીમાં પણ ચોરી કરાઈ હોવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!