નવા નિયંત્રણોનો 12મી જાન્યુઆરીથી 22મી સુધી અમલ કરવામાં આવશે
રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે. 15 જાન્યુઆરીથી લગ્નસરા શરૂ થઈ રહ્યાં છે અને સરકારે ગાઇડલાઇન બદલી છે. લગ્ન સમારોહમાં હવે 400ને બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે. આમ રાજ્ય સરકારે 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણોમાં ફેરફાર કરી પલટી મારી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને તારીખ 22 જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
જાહેર કાર્યક્રમોમાં પણ 150 લોકોની જ મર્યાદા
કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
7મીએ 400ની છૂટ આપી 11મીએ ઘટાડવી પડી
આ પહેલા સરકારે 7 જાન્યુઆરીએ ખુલ્લી જગ્યામાં લગ્ન માટે 400 લોકોની છૂટ હોવાની જાહેરાત કરી હતી. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
સરકારે 4 લાખ 85 હજાર મોલનુપિરાવિરનો ઓર્ડર આપ્યો
ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકારે પણ હવે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે 4 લાખ 85 હજાર મોલનુપિરાવિર અને ફેરિપિરાવિરની 75000 સ્ટ્રિપનો ઓર્ડર આપ્યો છે. મોલનુપિરાવિરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ સુધી બે વાર લેવાના હોય છે.આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70-80 ટકા અસરકારક છે, જેનું ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે, જ્યારે 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓફલાઇન અને ઓનલાઇન બે વિકલ્પ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી 13 જાન્યુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોનાને કંટ્રોલમાં લેવા માટે એકશન પ્લાન ઘડાશે.
24 કલાકમાં 7476 નવા કેસ
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા છે.
37238 એક્ટિવ કેસ અને 34 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 75 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 406 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 37 હજાર 238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 37 હજાર 204 દર્દીની હાલત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!