કોંગ્રેસ બન્યું આક્રમક / રાજકોટમાં પોલીસ કમિશનરના કેસમાં ભાજપ સરકાર સામે જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ સહીત અન્ય નેતાઓએ આપ્યું મોટું નિવેદન

ટોપ ન્યૂઝ રાજકોટ

ગૃહમંત્રી જો રાજકોટમાં પોલીસ વિરુદ્ધ લોકદરબાર કરે તો ફરિયાદોનો રાફડો ફાટે: હાર્દિક પટેલ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કમિશનબાજી અંગે હવે કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ઉપરાંત અગ્રણી નેતાઓ હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના MLA લલિત વસોયા સહિતનાએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જગદીશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે ભાજપની સરકારમાં પોલીસને કલેક્શન માટે ટાર્ગેટ અપાયો છે, જ્યારે ઈન્દ્રનીલે સણસણતો આક્ષેપ કર્યો છે કે અગાઉ આ જ પોલીસ કમિશનર અગ્રવાલ નીતિન ભારદ્વાજના ઘરે જઇ પગે પડતા હતા.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા ગંભીર આક્ષેપોને લીધે ખળભળાટ મચી ગયો છે, ત્યારે હવે મંત્રી અને સાંસદે પણ ગોવિંદ પટેલના નિવેદનને સમર્થન આપ્યુ છે. રાજકોટ પોલીસ કમિશનર પર આક્ષેપ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદન આપ્યું છે.

જગદીશ ઠાકોરનું નિવેદન
એક પછી એક ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપે પોલીસને ટાર્ગેટ આપ્યો છે. આ કેસમાં ભાજપના ધારાસભ્યએ જ પાર્ટીની પોલ ખોલી છે. તમને બધા કનેક્શન તાત્કાલિક મળી જાય છે તો પૈસા ઉઘરાવવામાં કેમ કોઈ કનેક્શન નીકળતું નથી.

કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલનું નિવેદન
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, જો તમે 24 કલાકમાં પાકિસ્તાન કનેક્શન લાવો છો તો આ કેસમાં કેમ કોઈ કનેક્શન નથી નીકળતું? કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે પણ ભાજપ અને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની સિસ્ટમમાં ભાજપે ભ્રષ્ટાચાર નાખ્યો છે.

ફરિયાદ મળવા છતાં સરકાર તદ્દન નિષ્ક્રિયઃ ઈન્દ્રનીલ
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે હાલમાં ભાજપ સરકાર સામે ભાજપના જ રાજકોટના બે ધારાસભ્ય એમાં પણ એક મંત્રી અને રાજ્યસભાના સાંસદ ખૂલીને ભ્રસ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે તેમ છતાં સરકાર એક્શનમાં આવતી નથી અને એના નીચલા અધિકારીને તપાસ સોંપી ભીનું સંકેલવા માગે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એ સમયે આ કમિશનરની રાજકોટમાં નિમણુક કરવામાં આવી હતી, આ સમયે કમિશનર નીતિન ભારદ્વાજના પગ પકડવા તેમના ઘરે જતા હતા.

લોકો ભલામણ લાવે ત્યારે તો ફરિયાદ નોંધાય છેઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે પત્ર લખીને કહ્યું છે કે રાજકોટમાં અમુક અધિકારીઓનું આગમન થયા બાદ કંઈક અલગ જ સ્થિતિનું નિર્માણ પામ્યું છે. ગૃહમંત્રીની દાનત સાચી હોય તો રાજકોટમાં લોકદરબારનું આયોજન કરીને બતાવે. આ લોકદરબારમાં તેમની જ પોલીસ સામે ફરિયાદોના રાફડો ફાટશે અને પોલીસની પોલ છતી થશે. રાજકોટના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ખુલ્લા પડી જશે. ક્રાઈમરેટ ઘટાડવાના ચક્કરમાં સામાન્ય લોકોને ફરિયાદ નોંધાવવા માટે ભલામણો લાવવી પડે છે અને ધક્કા ખાવા પડે છે. અંતે તો ફરિયાદીને અરજીથી સંતોષ માણવો પડે છે.

‘ભાજપના ઈશારે વિરોધ પક્ષના આગેવાનો સામે ખોટી ફરિયાદો’
જ્યારે કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ખુલ્લો આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય પોલીસ કમિશનર પર આક્ષેપ કરે અને તેમના જ સાંસદ સમર્થન આપે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાને જાગ્રત કરવા ધરણાં પર બેસે એ પહેલાં આ પ્રકરણ દબાવવા કાર્યકર્તાની ધરપકડ કરે તો કેટલું યોગ્ય કહેવાય. મેં અગાઉ વિધાનસભામાં પણ રજૂઆત કરી છે કે આખા રાજ્યમાં પોલીસ બેફામ ભ્રષ્ટાચાર કરે છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન કોઈપણ વાંધાવચકા માટે હવાલા નીતિન ભારદ્વાજ અને પોલીસ કમિશનર લેતા હતા. એટલું જ નહિ, સરકાર દ્વારા ગુજરાત પર દમનનું રાજકારણ IAS અને IPSના હાથે કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભાજપના આગેવાનોએ જ કરેલા ગંભીર આક્ષેપ છતાં પણ અધિકારી સામે એક્શન લઇ સસ્પેન્ડ કરવામાં નહિ આવે, કારણ કે ભાજપ સરકાર IAS અને IPSને ભ્રષ્ટાચારના એજન્ટ બનાવી કામ કરાવી રહી છે.

આજસુધી પટેલ અને રૈયાણી ચૂપ કેમ રહ્યા
​​​​​​​પોલીસ કમિશનર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ વાત જાણવા છતાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને મંત્રી અરવિંદ રૈયાણી આજ દિવસ સુધી કેમ ચૂપ હતા એવો સીધો સવાલ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઉઠાવ્યો હતો. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે વિજય રૂપાણીના અંગત મનાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકારણનો ભોગ જરૂર બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કમિશનર સામે આક્ષેપ છતાં કાર્યવાહી નથી જ થવાની, પરંતુ જો સરકાર કરવા માગતી હોય તો સસ્પેન્ડ કરાય તેમજ ફરી ફરજ પર લેવામાં ન આવે એવી કડક કાર્યવાહી કરી એક સરાહનીય ઉદાહરણ બેસાડે એવી પૂર્વ ધારાસભ્ય રાજ્યગુરુની માગ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.