કમિશ્નર કચેરીમાં આપઘાતનો પ્રયાસ / રાજકોટમાં કરોડોની જમીન બાબતે બિલ્ડર સહીત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર આરોપ લગાવી યુવકે પોલીસ સામે ફિનાઈલ પીવાનો પ્રયાસ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટના ભીચરી ગામમાં કરોડોની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદી વિજય સોલંકી નામના યુવાને ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર પોલીસકર્મચારીઓએ તેમના હાથમાંથી ફિનાઈલની બોટલ આંચકી લીધી હતી. યુવાને વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી સહિત 5 શખસ જમીન ખાલી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ફરિયાદી વિજય સોલંકીનું કહેવું છે કે જમીન વર્ષોથી વડીલોપાર્જિત હોવા છતાં ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PSI સાખરા સહિતના પોલીસ અધિકારીઓ સામે પણ આરોપ લગાવ્યો હતો. જોકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ આ જમીનનો કેસ ચાલી રહ્યો છે. એમ છતાં બિલ્ડર કમલેશ રામાણી સહિત 5 શખસ જમીન ખાલી કરાવવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

વિજય સોલંકી આજે પોલીસ કમિશનર કચેરીએ ફિનાઈલની બોટલ સાથે આવ્યો હતો. ફિનાઈલ પીવા માટે બોટલનું ઢાંકણું ખોલે એ પહેલાં હાજર પોલીસકર્મચારીઓએ તેમના હાથમાંથી બોટલ આંચકી લેવા મથામણ કરી હતી, જેમાં પોલીસ અને વિજય સોલંકી વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. જોકે બાદમાં પોલીસે બોટલ આંચકી લીધી હતી અને વિજય સોલંકીની અટકાયત કરી હતી.

વિજય સોલંકીએ પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં આરોપી તરીકે બિલ્ડર કમલેશ રામાણી, અનિલ ખુંટ, હિતેષ પ્રેમજી સેલિયા, પરેશ પટેલ અને ઈરો ભરવાડના નામ આપ્યા છે. તેણે રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના ભીચરી ગામના રેવન્યુ સર્વે નં.177 પૈકીની ખેતીની જમીન અંગે ચરાભાઈ હાજાભાઈ સોલંકીનાં વારસદારો પાસેથી માતા પિતા જીવણભાઈ ધરમશીભાઈ સોલંકીએ વેચાણ કરાર તથા કુલમુખત્યારનામું કરાવ્યું છે, ત્યારથી ઘણાં વર્ષોથી ખેતીની જમીનનો કબજો ભોગવટો મારા પિતા પાસે હતો અને તેના અવસાન બાદ અમારી પાસે કબજો આવ્યો છે.

લેખિત રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે કમલેશ રામાણીએ 26-03-2021ના રોજ દિવસે બપોરે 12 વાગ્યે પ્રભુ પગલાં કે પ્રભુ ફાર્મ તરીકે ઓળખાતી વાડીએ અમને બોલાવ્યા હતા. ત્યારે ત્યાં કમલેશ રામાણી, અનિલ, પરેશ અને ઈરો હાજર હતા. કમલેશ રામાણી અને અન્યોએ એક સંપ કરી, ગુનાહિત કાવત્રુ રચી, એકબીજાએ ગુનાહિત કામે મદદગારી કરી હતી. કમલેશ રામાણીએ તેની વાડીએ બોલાવીને તેના ફોર-વ્હીલમાં ધાક-ધમકી આપીએ અમારી જમીનના કાગળો પર બળજબરીથી સહીઓ તથા અંગૂઠાનાં નિશાનો કરાવી લીધાં હતાં. 45,00,000 રૂપિયા રોકડા આપ્યા હતા અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને અને તારા પરિવારના લોકોને જાનથી મારી નાખીશું. આ તમામે મને પૈસા લઈને તેની વાડીએથી જવા દીધો હતો અને હું ખૂબ ભયભીત અને ડરી ગયેલો હોવાથી મારા ઘરે જઈને સૂઈ ગયો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/21/15rajkot-young-man-try-suicide-shailesh-shailesh2_1645449427/mp4/v360.mp4 )

રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીંચરી ગામે કરોડો રૂપિયાની જમીન મામલે વિજય સોલંકી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ જમીન અમારા વડવાઓની જમીન છે, પરંતુ આમ છતાં કમલેશ રામાણી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા આ જમીન પડાવી પાડવા મામલે દબાણ કરી માર મારવામાં આવે છે. અમને અમારી જમીન આપવા ન્યાયની માંગ સાથે અરજી કરવા છતાં પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. આથી વિજય સોલંકી આજે તેના પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ફિનાઈલ પીવા પ્રયાસ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વિજય સોલંકીએ કમલેશ રામાણી અને તેના માણસો તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારી જમીન પચાવવા કારસ્તાન કરવામાં આવ્યું છે. ન્યાય નહીં મળે તો હવે કમલેશ રામાણીના ઘર સામે પણ આત્મવિલોપન કરીશું. રાજકોટ ઝોન 1ના DCP પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, અરજદાર વિજય સોલંકી દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી આપવામાં આવી છે અને એક અરજી મને પણ આપવામાં આવી છે જે બંને અરજી તપાસ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવશે. જેની સામે આક્ષેપ થયા તે કમલેશ રામાણીના એડવોકેટ પરેશ કુકડીયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા અસીલ કમલેશ રામાણી દ્વારા અનિલ ખુંટ પાસેથી જમીન ખરીદવા માટે વાતચીત કરી પરંતુ એ જગ્યા પર વિજય સોલંકી દ્વારા કબ્જો કરવામાં આવ્યો હોવાથી અનિલ ખુંટ દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે માટે વિજય સોલંકી આત્મવિલોપન પ્રયાસ કરી ખોટા સ્ટંટ કરી રહ્યા છે.

લેટરબોમ્બમાં પોલીસ કમિશનરના કથિત તોડકાંડના ફરિયાદી જગજીવન સખિયાને પણ ગૃહ મંત્રાલયથી ફોન આવી ચૂક્યો છે. તેઓને જણાવવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ થશે. ફરિયાદીની માગણી મુજબનું ધાર્યુ પરિણામ આવશે તેવો દાવો કર્યો છે. હાલમાં ગાંધીનગર ધક્કો ન ખાવાની જરૂર ન હોવાનું પણ જગજીવન સખિયાને ગૃહવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ જલ્દી કાર્યવાહીનું પણ આશ્વાસન ગૃહવિભાગે આપ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.