પાકિસ્તાની પત્રકાર પર ‘વિરાટ’ ગુસ્સે / જીતના નશામાં ચૂર પાકિસ્તાની પત્રકારો છાક્ટા બન્યા ગમે તેમ સવાલ પૂછતાં જુઓ વિરાટ કોહલીએ આ રીતે કરી બોલતી બંધ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

પાકિસ્તાની પત્રકાર પર ‘વિરાટ’ ગુસ્સે:કારમી હાર પછી ટીમ કોમ્બિનેશનના સવાલ બાદ કોહલી ભડક્યો; કહ્યું- તો શું તમે રોહિતને ટીમમાંથી કાઢી મૂકશો?

  • તમારે વિવાદ ઊભો કરવો હોય તો પહેલા જાણ કરો, હું એ પ્રમાણે જવાબ આપું- વિરાટ

મેચ હાર્યા પછી વિરાટ કોહલી પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની પત્રકાર પર ભડક્યો હતો. પત્રકારે ટીમ કોમ્બિનેશન સામે સવાલ કરતાં વિરાટે કહ્યું હતું કે તો શું તમે રોહિત શર્માને હવે પ્લેઇંગ-11માંથી કાઢી મૂકશો? ઉલ્લેખનીય છે કે રવિવારે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવી દીધું છે. જો આપણે વર્લ્ડ કપના ઈતિહાસ પર એક નજર ફેરવીએ તો પાકિસ્તાની ટીમ સામે ભારત સૌથી ખરાબ રીતે હારી ગયું હતું. એવામાં વિરાટ કોહલીએ ટીમની ભૂલથી લઈને ટૂર્નામેન્ટના પ્લાનિંગ અંગે વિવિધ ઘટસ્ફોટ કર્યા હતા. એટલું જ નહીં, આ દરમિયાન તેણે શાહીન આફ્રિદી અને બંને ઓપનર્સની પ્રશંસા કરી હતી.

શું રોહિતના સ્થાને ઈશાન કિશન આવી શક્યો હોત?- પાક. પત્રકાર
મેચ હાર્યા પછી પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને ટીમ કોમ્બિનેશન કેવું હોવું જોઈએ અને એની પસંદગી સામે સવાલ ઊભો કર્યો હતો. તેણે પૂછ્યું હતું કે છેલ્લી ઘણી મેચથી ઈશાન કિશન સારા ફોર્મમાં છે તો શું રોહિતના સ્થાને તેની પસંદગી થઈ શકી હોત! આ સવાલ સાંભળતાં જ વિરાટ કોહલી પહેલા તો ગુસ્સે થઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી જવાબ આપતાં કહ્યું હતું કે મેં આજે મારી બેસ્ટ ટીમ મેદાનમાં ઉતારી હતી. હવે તમને આ યોગ્ય નથી લાગતી તો તમારા અનુસાર કેવી ટીમ પસંદ કરવી જોઈએ? શું તમે રોહિત શર્માને પ્લેઈંગ-11માંથી કાઢી મૂકશો? તેમને જાણ જ હશે કે રોહિત શર્મા છેલ્લી મેચમાં કેવું રમ્યો છે. આવો જવાબ આપતાંની સાથે જ વિરાટ કટાક્ષ કરી હસવા લાગ્યો હતો. ત્યાર પછી તેણે વધુમાં કહ્યું હતું કે જો તમારે આવા પ્રકારનો વિવાદ ઊભો કરવો હોય તો મને અગાઉથી જાણ કરી દો, જે પ્રમાણે હું જવાબ આપું.

વિરાટ કોહલીએ ઈન્ડિયન ટીમની ભૂલ છતી કરી
મેચ પછી પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન કોહલીએ વિરાટ નિવેદન આપ્યા પછી પણ તેણે કહ્યું હતું કે અમારી શરૂઆતમાં 3 વિકેટ પડી ગઈ હતી. ન્યૂ બોલ સામે અમારા ઓપનર્સ સારી બેટિંગ ના કરી શક્યા, પરંતુ એમાં પાકિસ્તાની બોલર્સે પણ સારી લાઈન એન્ડ લેન્થમાં બોલ ફેંકી ભારતીય બેટર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ મેચમાં અમે અમારું બેસ્ટ આપી શક્યા નથી અને હું આ ભૂલનો સ્વીકાર કરું છું.

સવાલઃ શું ઈન્ડિયન ટીમ ઓવર કોન્ફિડન્ટ હતી
જેના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે દરેક મેચ એક વ્યૂહરચનાથી રમાતી હોય છે. મેદાનમાં જઈને ગેમ પ્લાન પ્રમાણે રમવું ઘણું અઘરું છે.

પાકિસ્તાન કોઈપણ ટીમને હરાવી શકે છે- વિરાટ
વિરાટ કોહલીએ 10 વિકેટથી મેચ હાર્યા પછી કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ એટલી મજબૂત છે કે તે વિશ્વની કોઈપણ ટીમને હરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની 1 મેચ હારી જતાં આ ટૂર્નામેન્ટ પૂરી થઈ નથી. અમે આ હારથી ઘણું શીખ્યા છીએ અને આગામી ગેમ પર ધ્યાન આપીશું. આજે પાકિસ્તાનની ટીમ સારું રમી હતી અને અમે ઘણી ભૂલો પણ કરી હતી. દબાણમાં રમવું જેટલું સરળ લાગે એટલું નથી.

વિરાટે કહ્યું, અમારી ટીમે સન્માનજનક સ્કોર નોંધાવ્યો
કોહલી બોલ્યો- પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદીએ ન્યૂ બોલથી બેક ટુ બેક વિકેટ લઈને અમારા ઓપનર્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા. તેમણે જેવી રીતે અમને પાવરપ્લેમાં (36/3) દબાણમાં રાખ્યા હતા, એ જોતાં ભારતીય ટીમે સન્માન જનક સ્કોર ઊભો કર્યો હતો.

કોહલી એન્ડ ટીમની કારમી હાર
આજે રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી, જેમાં PAK ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલા બેટિંગ કરતાં વિરાટસેનાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની ઓપનર્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ચેઝ કરી ભારતને 10 વિકેટથી હરાવ્યું છે.

વિરાટે આ રીતે અકલ ઠેકાણે લગાવી
એક અન્ય પાકિસ્તાની પત્રકાર સવીરા પાશાએ પાકિસ્તાનની જીતના નશામાં ચૂર થઈને વિરાટ કોહલીને પૂછ્યું કે શું ભારત પાકિસ્તાન સામે ઓવર કોન્ફિડન્સના કારણે હાર્યું? શું ભારતીય ટીમે ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો રેકોર્ડ જોઈને પાકિસ્તાન વિરુદ્ધ વધુ એકાગ્રતા ન દાખવી અને વિચાર્યું કે આવારી મેચમાં ભારત વધુ એકાગ્ર થઈને રમશે?

વિરાટે આપ્યો આ જવાબ
આ પાકિસ્તાની પત્રકારને પણ જડબાતોડ જવાબ આપતા વિરાટે કહ્યું કે જે બહારથી સવાલ પૂછી રહ્યા છે તેઓ એકવાર અમારી કિટ પહેરીને મેદાનમાં આવે. ત્યારે તેમને ખબર પડશે કે પ્રેશર શું હોય છે. પાકિસ્તાન જેવી ટીમ જ્યારે તેમનો દિવસ હોય તો કોઈને પણ હરાવી શકે છે. વિરાટે આગળ જવાબ આપતા કહ્યું કે તેમની ટીમ કોઈ પણ ટીમને હળવાશમાં લેતી નથી અને તમામ વિરુદ્ધ સારું રમવા માટે મેદાન પર ઉતરે છે.

કોહલીએ આ ભૂલ સ્વીકારી હતી
કોહલીએ હાર બાદ પાકિસ્તાનની પ્રશંસા કરી અને કહ્યું કે ટીમ ઈન્ડિયા તેની વ્યૂહરચનાને યોગ્ય રીતે લાગુ કરી શકતી નથી. કોહલીએ કહ્યું, “અમે અમારી યોજનાને અમે જે રીતે ઈચ્છતા હતા તે રીતે અમલ કરવા સક્ષમ ન હતા. પરંતુ જેઓ તેને લાયક છે તેમને શ્રેય આપવો જોઈએ. પાકિસ્તાને અમને મેચથી સંપૂર્ણપણે દૂર રાખ્યા. જ્યારે તમે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવો છો, ત્યારે પાછા આવવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે તમે જાણો છો કે ઝાકળ પડવાની છે. તેમણે શાનદાર બેટિંગ પણ કરી હતી. પહેલા હાફમાં પાકિસ્તાનની બોલિંગ દરમિયાન આ રીતે બોલ ફટકારવો સરળ નહોતો. પાકિસ્તાનની શાનદાર બોલિંગે પણ અમને રન બનાવવા ન દીધા.

શું ભારત પાસે હજુ છે તક?
આગળની બચેલી મેચોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના જણાવ્યાં મુજબ તેમની ટીમ સારું રમવાનો ભરપૂર પ્રયત્ન કરશે. ભારતીય કેપ્ટનના જણાવ્યાં મુજબ તેમને ખબર છે કે તેમની ટીમે ક્યાં ભૂલ કરી છે અને હજુ ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આગળ મેચો છે જેમાં ભારતીય ટીમો જરૂર સારું રમશે. ભારતની આગામી મેચ 7 દિવસના ગેપ બાદ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છે. ભારતીય ટીમ આજ સુધી ન્યૂઝીલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપમાં જીતી નથી. વિરાટ કોહલીના જણાવ્યાં મુજબ તેમની ટીમ પાસે તૈયારી માટે સારો સમય છે. તેમના ખેલાડી આ ગેપનો ફાયદો ઉઠાવશે અને મજબૂત તૈયારી કરશે તથા સારું રમશે.

પહેલી ઓવરમાં હિટમેન ફેલ
– ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી નહોતી. ટીમે પહેલી ઓવરના ચોથા બોલ પર જ રોહિત શર્મા LBW થઈ ગયો હતો.
– પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ મિડલ ઓફની લાઈન પર ફુલર બોલ નાખ્યો હતો, જે રોહિતના પેડ પર વાગતાં તે આઉટ થયો હતો. T20Iમાં રોહિત શર્મા 7મી વાર શૂન્ય રન પર આઉટ થયો હતો.
– રોહિત આઉટ થયા પછી કે.એલ.રાહુલ પણ સિંગલ ડિજિટ સ્કોર નોંધાવી પેવેલિયન ભેગો થયો હતો. ઈનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર શાહીન આફ્રિદીએ કે.એલ.રાહુલને ક્લીન બોલ્ડ કર્યો હતો.
– પાવરપ્લે સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 36/3નો હતો. બંને ઓપનર્સના આઉટ થયા પછી કોહલી અને સૂર્યકુમાર વચ્ચે 25 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. ત્યાર પછી હસન અલીએ સૂર્યકુમાર યાદવને આઉટ કરી ઈન્ડિયન ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.