હાર્દિક પટેલનો વિસ્ફોટક આક્ષેપ / રાજકોટમાં પોલીસ કમિશ્નરના કાંડને લઈને હાર્દિક પટેલે ક્રાઇમ બ્રાન્ચની સાથે સરકાર પર કર્યા આકરા પ્રહારો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સરકાર નિષ્પક્ષ એજન્સીઓ પાસે તપાસ કરાવે તો રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 1 હજાર કરોડનો તોડ કર્યાનું ખુલે. પોલીસ કમિશનરનું ઘર ભરવાનું કામ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યું છે. મનોજ અગ્રવાલે પોતાના પાલતુ શ્વાનનું નામ પ્રેસિડેન્ટ રાખ્યું છે જે બંધારણથી વિરૂદ્ધ ગણાય. તેમજ શ્વાનનો બર્થડે અમદાવાદમાં ઉજવવામાં આવે છે. બર્થડે હોય ત્યારે પોલીસ અધિકારીઓ શ્વાનના પગમાં 50 લાખ સુધીના સોનાના દાગીના પહેરાવે છે.

તાત્કાલિક અસરથી CPને સસ્પેન્ડ કરવા જોઈએ
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનર અને તેની સાથેની ખાસ શાખા એટલે કે ક્રાઈમ બ્રાન્ચ તોડ કર્યાની અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે ભાજપના જ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ દ્વારા ફરિયાદ કરવા છતાં આજે 20-20 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખુદ પોલીસ કમિશનર જ ભ્રષ્ટાચાર કરતા હોય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ. તાત્કાલિક અસરથી મનોજ અગ્રવાલને સસ્પેન્ડ કરવા જોઈએ. શા માટે સસ્પેન્ડ કરવામાં આવતા નથી તે સમજાતું નથી અને શું પોલીસ કમિશનર હવાલા લઈ ભ્રષ્ટાચારના રૂપિયા પાટીલ સાહેબ, પટેલ સાહેબ કે રૂપાણી સાહેબને પહોંચાડતા હતા તેવો પણ સવાલ ઉઠ્યો છે. છેલ્લા 15 દિવસથી રૂપાણી સાહેબ ક્યાં છે તે કોઈને ખબર નથી ત્યારે કદાચ આ બાબતે રૂપાણી સાહેબ ખોવાયા છે કે ક્યાં છે તેની જાહેરાત આપવી પડશે.

ન્યાયિક અને યોગ્ય તપાસ થાય તેવી માંગ
પોલીસ કમિશનર સામે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બંધારણીય રીતે એક નામ એવું છે કે જેને કોઈ રાખી શકતું નથી. પરંતુ મનોજ અગ્રવાલે પોતાના પાલતું શ્વાનનું નામ પ્રેસિડેન્ટ રાખી બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. એટલું જ નહીં આ શ્વાનના જન્મદિવસની ઉજવણી પણ અમદાવાદ ખાતે કરવામાં આવે છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ શ્વાનને પગમાં પહેરવા લાખોની કિંમતના સોનાના દાગીના ભેટમાં આપવામાં આવે છે. આ તમામ બાદ નિષ્પક્ષ એજન્સીઓને તપાસ સોંપવામાં આવે તો રાજકોટ પોલીસ કમિશનરનું 1 હજાર કરોડથી વધુનું તોડકાંડ સામે આવી શકે તેમ છે. ત્યારે તાત્કાલિક અસરથી ન્યાયિક અને યોગ્ય તપાસ થાય તેવી માંગ છે.

જયરાજસિંહ 13 વર્ષ પ્રમુખ પ્રવક્તા રહ્યા
કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી 22 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં જોડાવાની જયરાજસિંહની સત્તાવાર જાહેરાત બાદ હાર્દિક પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સત્તાના જોરે અને સત્તાની આશાએ અનેક લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે. તેની શું હાલત છે તે તમામ લોકો જાણે છે. આવતા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાંથી પણ ઘણા લોકો કોંગ્રેસમાં આવશે. જયરાજસિંહ કોંગ્રેસ પક્ષ પર આરોપ તો લગાવે છે પરંતુ આ જ કોંગ્રેસ પક્ષના તેઓ છેલ્લા 13 વર્ષથી પ્રમુખ પ્રવક્તા હતા અને 3-3 વખત જિલ્લા પંચાયતમાં સભ્ય અને જિલ્લા પંચાયતની સમિતિમાં યોગ્ય સ્થાન અપાયું હતું. તેના પુત્ર પણ NSUIના નેતા હતા. જો જનતાની જ સેવા કરવી હોય તો ભાજપ શા માટે? કોંગ્રેસ છોડી અપક્ષમાં રહી લોકોની સેવા કરી શકાય છે.

ડિજીટલ મેમ્બરશીપને લઈને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરોજગારી, મહિલાની સુરક્ષા સહિતના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ લોકસભા સીટને આવરી લેવામાં આવી હતી. આગામી 25થી 27 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેવાના છે. ઘરમાં બે દીકરા હોય અને મોટો દીકરો સેટ થઈ જાય એટલે તેની જવાબદારી નાના ભાઈને સેટ કરવાની હોય છે. તેવી રીતે ગુજરાતમાં નાના દીકરા તરીકે કોંગ્રેસને ઉભી કરવાની છે. જેના માટે વિધાનસભામાં આક્રમક લડાઈ લડવાના છીએ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક પર વિજય મેળવી ગુજરાત કોંગ્રેસની સરકાર સાથે આવશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/20/10rajkot-hardik-patel-shailesh-20220220t123212z-00_1645361806/mp4/v360.mp4 )

રાજકોટ પોલીસે 1 હજાર પેટી દારૂ વેચ્યાનો આક્ષેપ
હાર્દિકે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજકોટના એક બૂટલેગરની ધરપકડ કરી અને તેની પાસેથી તોડ માટે પૈસા માગ્યા પણ બૂટલેગરે પૈસા ન હોવાનું કહેતા પોલીસે 1 હજાર પેટી દારૂ મગાવ્યો અને પોલીસે જાતે દારૂ વેચ્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર અને ભ્રષ્ટ અધિકારીને કારણે સમગ્ર ગુજરાતની પોલીસ પર છાંટા ઉડ્યા છે. આથી પોલીસ કમિશનર વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *