માસુમ બાળકીનો શું વાંક / રાજકોટમાં પતિ અને તેની પ્રેમિકાએ પોતાના પ્રેમમાં કાંટારૂપ થતા પુત્રી સાથે કર્યું એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

રાજકોટ

શહેરમાં પતિથી અલગ રહેતી ખાનગી હોસ્પિટલની મહિલા કર્મચારીએ પતિ સાથે રહેતી તેની છ વર્ષની પુત્રીના મોત અંગે શંકા વ્યક્ત કરી તેને તેના પિતા અને તેની પ્રેમિકાએ મોતને ઘાટ ઉતારી બારોબાર લાશની દફનવિધિ કરી દીધાનો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ હતી. મહિલાના આક્ષેપથી પોલીસે તપાસ શરૂ કરી હતી.

ખાનગી હોસ્પિટલની કર્મચારી કંચનબેન રામભાઇ પરમાર (ઉં.વ.30) શુક્રવારે સવારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદને મળ્યા હતા અને તેમણે શંકા વ્યક્ત કરી હતી એ સાંભળી કમિશનર પણ ચોંકી ઊઠ્યા હતા. કંચનબેને પોલીસ અધિકારી સમક્ષ કહ્યું હતું કે તેમના લગ્ન બાર વર્ષ પૂર્વે થયા હતા, લગ્ન બાદ પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હતો, છ વર્ષ પૂર્વે પુત્રી જેનીનો જન્મ થયો હતો, પુત્રી દોઢ મહિનાની હતી ત્યારે પતિએ કાઢી મૂકતાં કંચનબેન પુત્રી સાથે ત્રણ વર્ષ નારી સુરક્ષાગૃહમાં રહ્યા હતા.

કંચનબેન અગાઉ સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા, માસૂમ પુત્રીને નોકરી સ્થળે લઇ જવું શક્ય નહીં બનતાં પુત્રી જેનીને પોતાની સાથે રાખવા પતિ રામજીને કહ્યું હતું, પરંતુ છૂટાછેડા આપી પુત્રીને સાચવીશ એમ કહેતાં બાળકી તેની માતા સાથે જ રહેતી હતી.

દોઢ વર્ષ પૂર્વે અંતે રામજી પુત્રી જેનીને પોતાની સાથે લઇ ગયો હતો, થોડો સમય પુત્રીને સારી રીતે રાખી હતી, પરંતુ એક વર્ષ પૂર્વે રામજીભાઇએ અમદાવાદની સુનિતા સાથે પ્રેમલગ્ન કર્યા હતા, લગ્ન બાદ બંને જેનીને ત્રાસ આપતા હતા, પુત્રી જેનીને પતિ રામજી અને તેની પ્રેમિકા સુનિતા હેરાન કરતા હોવાની કંચનબેને અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી, કંચનબેને એવું પણ કહ્યું હતું કે પાંચેક મહિના પૂર્વે તેના સાસુ જીવુબેન પુત્રી જેનીને લઇને હોસ્પિટલે આવ્યા હતા અને ત્યારે તેમણે પણ રામજી અને સુનિતા માસૂમ જેનીને મારકૂટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.

ગુરુવારે સવારે જેનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને પરમાર પરિવારે બાળકીની દફનવિધિ પણ કરી હતી. પુત્રીના મૃત્યુ અને બારોબાર તેની દફનવિધિની જાણ થતાં કંચનબેને પુત્રીના મૃત્યુ અંગે પૂછતાં પતિ રામજીએ બાળકીને ઝાડાઊલટી અને લકવા થયાની વાત કરી હતી, પતિની વાત શંકાસ્પદ લાગતાં કંચનબેને પોલીસનું શરણું લીધું હતુ. ઇન્ચાર્જ કમિશનર ખુર્શીદ અહેમદની સૂચનાથી થોરાળા પોલીસે તપાસ શરૂ કરી હતી, ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી.

બાળકી જેનીને બીમારી સબબ શરૂઆતમાં ગુંદાવાડી હોસ્પિટલમાં, ત્યાર બાદ ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હત્યા અંગેનો આક્ષેપ થતાં સિવિલ હોસ્પિલના તબીબોની પૃચ્છા કરતાં બાળકી બીમાર હોવાનું અને તેને કઇ બીમારીની કઇ સારવાર આપવામાં આવી હતી એની કેસ ફાઇલ પણ બતાવવામાં આવી હતી. કંચનબેને કોઇ ચોક્કસ કારણસર આક્ષેપ કર્યાની શંકા છે. આમ છતાં આ મામલે તપાસ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું. – પીઆઇ કાતરિયા, થોરાળા પોલીસ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.