હવે શરૂ થશે રાજકીય દાવપેચ / 2022 વિધાનસભા ની ચૂંટણીમાં સુરત રાજનીતિનું એપી સેન્ટર, આપને પછાડવા પાટીલનો વ્યૂહ, જુઓ PAASને કઈ રીતે ભાજપ તરફ કરશે

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરત હવે રાજકીય રીતે એપી સેન્ટર બની રહ્યું છે. સુરતની રાજકીય ગતિવિધિઓની અસર સમગ્ર રાજ્યમાં થતી દેખાય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટી માટે હવે આમ આદમી પાર્ટીને હાસ્યામાં ધકેલવાની રાજકીય પ્રવૃત્તિ શરૂ થશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી ભાજપને નુકશાન ન કરે તેના માટેની રણનીતિ તૈયાર કરાશે. જેમાં મુખ્ય મુદ્દો પાસનો રહેશે. આપને પછાડવા પાસને ભાજપ તરફ કરવાની ભાજપની રણનીતિ રહેશે.

આપ કોર્પોરેશનમાં વિપક્ષમાં છે
સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સક્રિય આમ આદમી પાર્ટી સુરત શહેરમાં દેખાય છે. સુરતમાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહી છે ત્યારે સુરત શહેરની કુલ 12 જેટલી વિધાનસભામાં આમ આદમી પાર્ટી સારો દેખાવ ન કરે તેના માટેની તમામ તૈયારી ભારતીય જનતા પાર્ટી દ્વારા શરુ કરી દેવામાં આવશે. વિશેષ કરીને કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાટીદાર અનામત આંદોલન સમિતિનો સહયોગ મળતા જે વિસ્તારમાં પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે તે વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ચૂંટાયા છે. પાટીદારોના સમર્થનથી આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે કોર્પોરેશનમાં બેઠી છે.

પાટીદાર વિસ્તારમાં ભાજપ સક્રિય થશે
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ જો સમર્થન મળે તો વરાછા, કામરેજ, કરંજ અને કતારગામ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને લાભ થઈ શકે એમ છે. આ ગણિતથી ભારતીય જનતા પાર્ટી પણ સારી રીતે વાકેફ છે. તેથી પાસના મુખ્ય ચહેરા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભારતીય જનતા પાર્ટી પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરશે.

કોંગ્રેસ ભાજપ સામે હરીફાઈમાં દેખાતી નથી
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે સુરતના હોવાથી સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન ન થાય તેના માટે તમામ રણનીતિઓને અમલમાં મૂકીને રાજકીય વિજય હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવશે. જોકે ભાજપ માટે સારી બાબતે છે કે કોંગ્રેસ તેમની હરીફાઈમાં ક્યારેય ઊભેલી દેખાતી નથી. બીજી તરફ બે-ચાર વિધાનસભાને બાદ કરતા આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સુરત શહેરમાં પણ નથી. પાટીદારોને રાજી કરવા માટેના તમામ પ્રયાસો રાજ્ય સરકાર પણ કરી રહી છે અને મુખ્યમંત્રીની પસંદગી પણ તેને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે.

આપને પછાડવાની ભાજપની સ્ટ્રેટેજી
વિધાનસભાની બારે-બાર બેઠકો ફરી એકવાર હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવાના તમામ પ્રયાસો શરૂ કરવાના રહેશે. પાસના ચહેરાઓને જાહેરમાં ભલે ભાજપને તેઓ સમર્થનના કરે પરંતુ પરદા પાછળથી આમ આદમી પાર્ટીને સમર્થન આપીને ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ રીતે લાભ કરે એ પ્રકારની રણનીતિ ગોઠવાઇ રહી છે. ભાજપ જો આ પ્રકારે રણનીતિની ગોઠવવાનું કરવામાં સફળ થાય તો ભાજપને વિધાનસભાની 12 બેઠકો ફરી એકવાર હાંસલ કરવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી દેખાતી નથી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કયા પ્રકારના રાજકીય રણનીતિ ઘડે છે સુરત શહેરમાં અમલ કરે છે તે જોવાની ખૂબ જ રસપ્રદ બની રહેશે.

ભાજપ સામે આપ કોઈપણ પ્રકારનો પડકાર નથીઃ ભાજપ શહેર પ્રમુખ
ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તમામ ચૂંટણીની અંદર ખૂબ જ પરિશ્રમ કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીમાં દ્રઢ વિશ્વાસ છે. અમારી રણનીતિથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સામે લડવાની કરતા લોકો સુધી અમે કરેલા કામોને પહોંચાડવાની છે. આમ આદમી પાર્ટી અમારી સામે કોઈપણ પ્રકારનો પડકાર નથી. ગુજરાતની જે પેટા ચૂંટણી થઇ છે તેમાં પણ આપ સર્વે જોયું છે કે લોકોએ આમ આદમી પાર્ટીને નકારી દીધી છે. સુરત શહેરના લોકોના પ્રશ્નોને વાચા આપવાને બદલે ફ્લડ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં પોતાના વિસ્તારમાં હાજર ન રહી મતદારોનો વિશ્વાસ તોડ્યો છે. આવા અનેક પ્રકારના વર્તનને કારણે સુરતની પ્રજાનો વિશ્વાસ હવે આમ આદમી પાર્ટીમાં રહ્યો નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ સુરતની પ્રજા ભારતીય જનતા પાર્ટીમાં અવિરત વિશ્વાસ રાખીને ફરી એક વખત વિજય બનાવશે એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ નકારી કાઢી છે.

Leave a Reply

Your email address will not be published.