કોંગ્રેસના નવા અધ્યક્ષનું ઉગ્ર સ્વરૂપ / તડ અને ફડવાળા જગદીશ ઠાકોરે પાટીલ ભાઉ પર પ્રહાર કર્યા, જુઓ ઉગ્ર નિવેદનો આપતા પાટીલ સાહેબ વિષે શું કહ્યું?

ગુજરાત ટોપ ન્યૂઝ

ભાઉ સાહેબ 182નો લક્ષ્યાંક રાખે એ વાત જ બિલકુલ બેહૂદી અને ગલીનું બાળક બોલતું હોય એવું લાગે

અમારું પ્લાનિંગ અમારું આયોજન, અમારી રણનીતિ એ બધું જ જોતાં અમે 125ના ટાર્ગેટ સાથે સરકાર બનાવીશું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 આડે હવે એક વર્ષ જ બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. જોકે મુખ્ય વિપક્ષ એવી કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પક્ષ-પ્રમુખ અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતાની વરણી મુદ્દે મનોમંથન ચાલી રહ્યું હતું. અંતે, હાઈકમાન્ડે 3 ડિસેમ્બરે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તડ ને ફડ ભાષાવાળા, પૂર્વ સાંસદ અને બે ટર્મ ધારાસભ્ય રહેલા એવા જગદીશ ઠાકોરની વરણી કરી હતી. ત્યાર બાદ તેમણે 6 ડિસેમ્બરે ચાર્જ સંભાળ્યો હતો, પદગ્રહણ કર્યા બાદ તેમણે ઉગ્ર સ્વરૂપ બતાવી ભાજપને પડકાર ફેંક્યો હતો. તેજ છટાદાર નેતાની ઈમેજ ધરાવતા જગદીશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે ભાજપ અને પાટીલના 182 સીટના ટાર્ગેટથી લઈ કોંગ્રેસના 2022ના પ્લાનિંગ અંગે વિસ્તારપૂર્વક જવાબ આપ્યા હતા.

આ ઉપરાંત જગદીશ ઠાકોરે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કરોડો રૂપિયાના ઝડપાઈ રહેલા ડ્રગ્સ તો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ગુજરાત સરકાર પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. જગદીશ ઠાકોરે ભાજપના પ્રદેશ પ્રમુખને ભાઉ સાહેબના ઉપનામ સાથે કોંગ્રેસની ચૂંટણી રણનીતિ દિલ ખોલીને વાત કરી હતી. 182 બેઠક લઈને અમારે રાજ કરવું છે આ વાત જ બંધારણીય રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે બિલકુલ બેહૂદી લાગે, ગલીનું બાળક બોલતું હોયને એવું લાગે.

સવાલ : 182 વિધાનસભાની સીટો પર ભાજપના સી.આર.પાટીલે જે લક્ષ્યાંક લાખ્યો છે એની સામે કોંગ્રેસનો શું લક્ષ્યાંક છે?
જગદીશ ઠાકોરઃ ભાજપ અને ભાઉ સાહેબ 182 સીટોનો લક્ષ્યાંક રાખે એનો મતલબ એવો થયો કે આ દેશમાં લોકશાહી અને બંધારણ ખતમ, કોઈ રાજકારણ નહીં, કોઈ પૂછવાવાળો ના રહેવો જોઈએ. 182 સીટો લઈને અમારે રાજ કરવું છે. આ વાત જ બંધારણીય રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બિલકુલ બેહુદી લાગે, ગલીનું બાળક બોલતું હોયને એવું લાગે, અમારો લક્ષ્યાંક પ્રજા નક્કી કરવાની છે. તેમ છતાં અમારુ પ્લાનિંગ અમારું આયોજન, અમારી રણનીતિ એ બધુ જ જોતાં અમે 125ના ટાર્ગેટ સાથે સરકાર બનાવીશું.

સવાલ: કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો માટે કોંગ્રેસની કોઈ ફોર્મ્યુલા ખરી?
જગદીશ ઠાકોરઃ આ બાબતે કોંગ્રેસની બેઠકો ચાલુ છે. જે સારા માણસો છે એ કોંગ્રેસની વિચારધારાને લઈને પાછા આવવા માંગતાં હશે તો એવા માણસોને પણ કોંગ્રેસ સહર્ષ સ્વીકારશે. પરંતુ અમારા કાર્યકરના મોરલ, અમારા કાર્યકરનો ત્યાગ અને તપસ્યાના ભોગે અમે કોઈને સ્વીકારીશું નહીં.

સવાલ : 2017માં કોંગ્રેસ થોડાક માટે જ જીતથી દૂર રહીં પણ 2022માં આ માટે શું પ્લાનિંગ અને ટાર્ગેટ છે
જગદીશ ઠાકોરઃ 2017ના પરિણામ પછી કોંગ્રેસના 600થી વધુ રાજકીય લોકો સાથે બેઠકો થઈ, ગ્રૂપમાં, લાર્જ ગ્રૂપોમાં અને વન ટુ વન બેઠક થઈ. તેની સાથે સાથે ચૂંટણીના રણનીતિકારો સાથે બેઠકો થઈ. પ્રજાના ગ્રૂપો સાથે પણ બેઠક થઈ. 2017 પછીના રિપોર્ટ્સ પર પણ અમારે ચર્ચા થઈ છે. આ માટેના અમે જુદા જુદા ગ્રૂપો બનાવી રહ્યાં છીએ. જે પણ નાની મોટી રણનીતિમાં અમારી ભૂલો રહી ગઈ હોય તે 2022માં ના રહે એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યાં છીએ.

સવાલ : રૂપાણી સરકાર આખી ઘરભેગી થઈ તો એ ગ્રૂપમાં જે અસંતુષ્ટ છે, તેમને કોંગ્રેસમાં લેવા માટેનું કોઈ આયોજન ખરું?
જગદીશ ઠાકોરઃ આ બાબતે મને ભાઉ સાહેબ જેવું જુઠ્ઠું બોલતા નથી આવડતું. એક બાજું એવું કહે કે અમારે કોઈ કોંગ્રેસીની જરૂર નથી, અને બીજા જ દિવસે એવું કહેવાય કે ફલાણા ધારાસભ્ય માટે જેમ એસટીમાં રૂમાલ મુકીને સીટ ખાલી રાખે એમ જગ્યા ખાલી રાખી છે. એમ કરીને પાછું જે દિવસે અમારો પ્રસંગ હોય એ જ દિવસે પાછા કોઈક ને લે છે. એટલે અમારે નથી લેવાના અને પછી લેવાના છે એવી વાતો હું નહીં કરું. કોંગ્રેસનું ગ્રૂપ આ બાબતમાં વિચારીને નિર્ણય કરશે.એ નિર્ણય પર હું ચાલીશ.

સવાલ :  ભાજપના નેતાઓ કોંગ્રેસમાં આવવા તૈયાર હશે તો?
જગદીશ ઠાકોરઃ એ બધું જે કંઈ હશે એની હું અત્યારે વાત નહીં કરી શકું. અમારી રણનીતિ ચાલી રહી છે. મેં તમને કહ્યું ને કે 27 વર્ષથી અમારે ત્યાં બૂથ પર હજારો આગેવાનો છે. લાખો લોકોની મીટિંગો થાય છે. સોનિયાજી અને રાહુલજી જેવું નેતૃત્વ છે ત્યારે અમારો આગેવાન, અમારો કાર્યકર સચવાય એ અમારી પ્રાયોરિટી છે.

સવાલ :  ભૂપેન્દ્ર પટેલની સરકાર વિશે તમે શું કહેશો?
જગદીશ ઠાકોરઃ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે એટલે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરૂં. પણ એક દાખલો આપીશ કે ક્યાંક એમની ડ્રેગન ફ્રૂટથી તુલા કરવાની હતી. એ તો ભલો ભોળો માણસ એટલે એ તો રાજી થઈ ગયાં. પરંતુ એ ડ્રેગન ફ્રૂટના બોક્સ જોયાં તો એમાંથી કેળા નીકળ્યાં. હવે આ મુખ્યમંત્રીને એમના જ માણસો એમનો જ પરિવાર છેતરતો
હોય એમાં મારે વધારે કંઈ કહેવું નથી.

સવાલ :  તમે પ્રમુખ બન્યાંના પહેલા ભાષણમાં જ એવું કહ્યું કે આપણે તો દેજ દે દેજ દે ને દેજ દે તો એનો મીનિંગ શું થાય?
જગદીશ ઠાકોરઃ જૂઠાઓની સામે દે જ દે એટલે જુઠાનો સામનો કરવો, સમાજો વચ્ચે વેરભાવ ઉભો કરે એની સામે દે જ દે એટલે એનો સામનો કરવો. ગરીબોનો બચાવ કરવો, આજે વેપારીઓ કહે છે કે અધિકારીઓ તેમનો ત્રીજો ભાગીદાર હોય તે રીતે તોડ કરે છે. આ તોડને રોકવાની વાત એટલે દે જ દે.

સવાલ : તમે એ વખતે કહ્યું હતું કે આ લોકો નફ્ફટના પેટના છે તો એનો મીનિંગ શું થાય?
જગદીશ ઠાકોરઃ એ શબ્દ પ્રયોગ મારે કરવો જોઈએ નહીં, પણ મારાથી થઈ ગયો છે. એ વખતે હું લાગણીના આવેશમાં આવી ગયો હતો કે આપણે ગાયને માતા કહીએ, ગાય માતાના પૂજનો કરાવ્યાં, સોના ચાંદીની ગાયો મુકી, ગાયોના નામે આખી સત્તાઓ એમણે કબજે કરી. તો રોડ પર ફરતી ગાયોની વ્યવસ્થા કરવી જોઈએ. ગાયોના લીધે ટ્રાફિકમાં લોકો હેરાન ના થાય એવું એમણે કરવું જો ઈએ. ભાઉ સાહેબે જે શબ્દ પ્રયોગ કર્યો કે ખબરદાર જો ગાયો રસ્તા પર દેખાઈ તો હું ચલાવી નહીં લઉં. એટલે માતાને જ્યારે રખડતી કહી એટલે મેં આવેશમાં આવીને આવું કહ્યું કે આ નફ્ફટના પેટના છે. પણ મારે આ શબ્દ પ્રયોગ નહોતો કરવો જોઈતો.

સવાલ : વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થવી જોઈએ કે ના થવી જોઈએ
જગદીશ ઠાકોરઃ અમે એક્સપર્ટોની સલાહ લઈ રહ્યાં છીએ. ત્રીજી લહેર કેવી આવશે એ અંગે અમે પેપર તૈયાર કરી રહ્યાં છીએ. આવા અન્ય મુદ્દાઓ પર પણ અમે વ્હાઈટ પેપર તૈયાર કરી રહ્યાં છીએ. જેમાં દેશ અને દુનિયાના એક્સપર્ટ હશે. રાહુલજી ખુદ આવા એક્સપર્ટને મળી રહ્યાં છે. ત્રીજી લહેર જો ગુજરાતને ભરખી જાય એવી આવશે અને એમાં જો સરકાર વાઈબ્રન્ટ કરવાની તૈયારી કરશે તો એ વાઈબ્રન્ટ અમે નહીં થવા દઈએ. અમારે ગુજરાતનો વિકાસ જોઈએ છે. તમે વાઈબ્રન્ટ કરીને ગુજરાતનો વિકાસ કરો. પરંતુ ટ્રમ્પની જેમ તમે લોકોને ભેગા કરીને લાખો લોકોને મારી નાંખ્યાં એવું અમે નહીં થવા દઈએ. એ બાબતનો જે વિરોધ કરવાનો હશે એ રોડ પર અને એ સ્થળ પર જઈને કરવાનો હશે તો કરીશું.

સવાલ : ગુજરાતમાં ડ્રગ્સનું મોટાપાયે રેકેટ બહાર આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસનું શું સ્ટેન્ડ હશે?
જગદીશ ઠાકોરઃ અમે નથી કહેતાં આ એજન્સીઓ કહે છે કે, અફઘાનિસ્તાનના આદીવાસીઓ દ્વારા મોકલેલું ડ્રગ્સ પકડાયું. આતંકવાદીઓ આને ઓપરેટ કરે છે. એ ડ્રગ્સ મુંબઈ, કોચી કે કોઈ મોટા રાજ્યના બંદર પર નથી ઉતરતું. સૌથી સરળ રસ્તો એ કંડલા કેમ છે? કંડલામાં આ માટે કોઈ પ્રાઈવેટ ઓપરેટરો છે કે બીજું કોઈ છે મારે એમાં નથી પડવું, પણ વાયા કંડલા થઈને આખા દેશમાં આ ડ્રગ્સ ફેલાઈ રહ્યું છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ આવ્યું છે. ગુજરાતનાને દેશના પ્રજા જનને એમ થાય છે કે બધેથી નથી આવવા દેવાતું એવી જડબેસલાક વ્યવસ્થા છે તો ગુજરાતનો દરિયાકાંઠો કે બંદરો એ ડ્રગ્સને જાણે વેલકમ કરતાં હોય એવી મનમાં ક્યાંક શંકાઓ ઉભી થઈ છે અને શંકાઓમાં પણ અમે તપાસ કરી રહ્યાં છીએ. અમારા રિટાયર્ડ અધિકારીઓ અમે એની પાછળ મુક્યાં છે. મને તો એવું પણ સાંભળવા મળ્યું કે રાત્રે મોઘીં મોંઘી ગાડીઓમાં લોકો ડ્રગ્સ પીવે છે. આ દેશના યુવાનને ખતમ કરવાની નીતિની સામે પણ અમે લડીશું.

સવાલ : આ ડ્રગ્સ મામલે આપ કોને જવાબદાર ઠેરવો છો?
જગદીશ ઠાકોરઃ આ મામલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિત ભાઈ અને ત્રીજી આ ગુજરાતની સરકાર જવાબદાર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.