ઝુકેગા નઈ સાલા / ‘પુષ્પા’ સ્ટાઈલમાં પોલીસની ટિમ પર જ કર્યો હુમલો, જુઓ આ કારણોસર બુટલેગરે હુમલો કરી કર્યો એવો કાંડ કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઉર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર ફિલ્મ ‘પુષ્પા’ સ્ટાઇલમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બૂટલેગરના પરિવાર અને સાગરીતોનાં ટોળાં ઝડપાયેલા બૂટલેગરોને પોલીસના હાથમાંથી છોડાવી ગયા હતા અને જપ્ત કરેલા દારૂના જથ્થાને પણ ઉઠાવી જઇને હુમલો કરતાં આઠ લોકો અને ટોળાં સામે ગત મધરાત બાદ ફરિયાદ નોંધાઇ હતી.

જેમાં બૂટલેગર, તેની પત્ની, દીકરી સહિતના 6 લોકોને હરણી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓમાં દિલીપ ડામોર સામે અગાઉ સમા પોલીસ સ્ટેશનમાં દારૂનો કેસ નોંધાયેલ છે. જ્યારે રાહુલ મારવાડી સામે દારૂના 4 કેસ અને ધીરજ પાંડે સામે સમા પોલીસ સ્ટેશનમાં IPC 269 મુજબ ગુનો નોંધાયેલ છે.

સાઉથની ફિલ્મ ‘પુષ્પા’ માં અભિનેતા ચંદનની તસ્કરી દરમિયાન પોલીસનો દરોડો પડે તો મુદ્દામાલ જ ન મળે એ માટે તે ચંદનના જથ્થાને છુપાડી દેતો અથવા એને પોલીસના હાથમાં ન લાગે એમ લઇને ભાગી જતો. જેથી દરોડા દરમિયાન જો મુદ્દામાલ જ ન મળે તો કેસ જ ન બને. આ ફિલ્મી તરકીબ ગઇકાલે વડોદરાના સમા વિસ્તારમાં દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગની ટીમ સાથે બૂટલેગરના પરિવાર અને તેના સાગરીતોના ટોળાએ અજમાવી હતી.

સ્થાનિક પોલીસથી છુપાઇને ધંધો કરતા દિલીપ ડામોરને અને અન્ય એક શખસને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક પોલીસ પહોંચે એ પહેલાં જ બૂટલેગર દિલીપ ડામોરના પરિવારના સભ્યો અને ટોળા પથ્થરમારો કરી અટકાતમાં રહેલા બે લોકોને છોડાવી ગયા હતા અને સાથે જ જપ્ત દારૂના જથ્થાને પણ ઉઠાવી ગયા હતા. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલને ન તો માણસો મળ્યા અને ન તો દારૂનો જથ્થો.

જોકે ટોળાએ હુમલો કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફના માણસોને સામાન્ય ઇજાઓ પહોંચી અને કારનો કાચ તોડી નાખતાં આ મામલે ફરિયાદ નોંધાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા PSI એસ.જે. રાઠવાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર, તેઓ છેલ્લા પાંચ દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવે છે. તેમને બાતમી મળી હતી કે વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટી પાસે ધીરજ પાંડે નામની વ્યક્તિ સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં પહોંચી દરોડો પાડ્યો હતો. જ્યાં ઝાડીઝાંખરામાં દારૂ સાથે બે શખસ ઝડપાઇ ગયા હતા અને એક ફરાર થઇ ગયો હતો. જેમની પાસેથી જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાની ગણતરી કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન ઝડપાયેલા એક શખસે તેનું નામ દિલીપભાઇ મનાભાઇ ડામોર (રહે. ઊર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટીમાં, સમા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું તેમજ તે આ દારૂ ધીરજ પાંડેના કહેવાથી વેચતો હોવાનું જણાવ્યું હતું. દિલીપ ડામોર પાસેની તપાસ કરતાં તેની પાસેથી એક પાકીટ અને મોબાઇલ મળી આવ્યાં હતાં, જેમાં મોબાઇલમાં ધીરજ પાંડેનો નંબર પણ સેવ હતો.

રેડની કામગીરી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સમા પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક એક ટોળું લાકડીઓ અને પથ્થર લઇને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સામે ધસી આવ્યું હતું. જેથી ઝડપાઇ ગયેલા દિલીપ ડામોરે બૂમ પાડી હતી કે ધીરજભાઇ મને પોલીસે પકડી લીધો.

જેથી ટોળાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેથી ટોળાને સ્ટાફ દ્વારા જણાવાયું હતું કે અમે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી દારૂની રેડમાં આવ્યા છીએ અને દારૂ સાથે માણસો પકડ્યા છે. જોકે ટાળું વધુ ઉશ્કેરાયું હતું અને સાલાઓને મારો એમ બૂમો પાડી પથ્થરમારો જારી રાખ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ ટીમના સ્ટાફે જપ્ત કરેલા દારૂના જથ્થાને કાર્ડન કરીને રાખ્યો હતો, તેથી ટોળાએ લાકડીઓથી ટીમ પર પ્રહાર કરવાના શરૂ કર્યા હતા અને પથ્થરમારો કરી ટીમના PSI રાઠવા સહિત સ્ટાફને ઘાયલ કર્યા હતા. આ વખતે એક ટૂ-વ્હીલર પર બે વ્યક્તિ આવી હતી અને તેમણે ટાળાને વધુ ઉશ્કેર્યું હતું.

આ દરમિયાન દિલીપ ડામોરને છોડાવવા તેની દીકરી અને પત્ની પણ આવ્યાં હતાં. દિલીપ ડામોરની દીકરીએ બૂમ પાડી હતી કે મમ્મી પપ્પાને પકડી લીધા છે, તેમને છોડાવો. આ સાથે દિલીપ ડામોરની દીકરી અને પત્નીએ પણ લાકડીઓથી ટોળાને સાથે રાખી હુમલો કરી દિલીપ ડામોર અને અન્ય એક ઇસમને છોડાવી ગયા હતા તેમજ દારૂના જથ્થાને પણ સાથે લઇ ગયા. જતાં જતાં ટોળાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જે કારમાં આવી હતી તેના પર પથ્થરમારો અને પાઇપથી હુમલો કરી કાચ તોડી નાખ્યા હતા.

હુમલાની ઘટના બાદ સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને તેણે હુમલો કરનારાં ટોળા અને લોકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે તેમને દારૂનો જથ્થો કે હુમલાખોર હાથ લાગ્યા ન હતા. જેથી સમા પોલીસે આ મામલે આરોપીઓની બે મોબાઇલ અને પાકીટ જપ્ત કરી આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી ફરાર શખસોને શોધવાની કામગીરી શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.