ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયો છે. ત્યારે મંત્રી પદ ગયા બાદ કુંવરજી બાવળિયા એવું કરી રહ્યાં છે કે ભાજપની મુશ્કેલીઓ વધી છે.
પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિકાસના કામો સમયસર પૂરા થઇ રહ્યા નથી તેવો આક્ષેપ લગાવતા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય કોન્ટ્રાક્ટરને કામ લઇને પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે. પેટા કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂર્ણ કરતા નથી. જેના કારણે વિકાસના કામો અટકે છે. ડીડીઓને કુંવરજી બાવળિયાએ કરી ટકોર વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી કરશે.
કુંવરજી બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારમાં કામ થતા ન હોવાની રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું કે PIU દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કામ સમયસર પૂર્ણ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું છે. પેટા કોન્ટ્રાકટ આપવામાં આવતા હોવાથી કામગીરી પૂર્ણ થવામાં વાર લાગે છે. અગાઉ પણ કુંવરજી બાવળિયાએ 40 જેટલા પ્રશ્નો પૂછતાં ફરિયાદ સમિતિની બેઠક ત્રણ વખત રદ્દ થઈ ચૂકી છે.
મહત્વનું છે કે આજની સામાન્ય સભામાં રાજકીય દાવપેચ જોવા મળ્યા હતા. આજની સામાન્ય સભામાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણી બાબતે સાશકો દ્વારા રાજકીય રીતે ફાળવણી કરી હોવાનો વિપક્ષના નેતાએ આક્ષેપ લગાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સભ્યો વાળી બેઠકના વિસ્તારમાં ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના બે નવા ચૂંટાયેલા સભ્યો માટે પ્રથમ સામાન્ય સભા હતી. આજે નાણાપંચ અને કામોની ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. જ્યાં એજન્ડામાં કુલ 12 દરખાસ્તો મુકવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યા બાદ હાજર રહ્યા હતા.
કુંવરજી બાવળીયાએ એક સાથે 40 પ્રશ્નો કર્યા : સંકલન સમિતિની બેઠકમાં બાવળીયાએ 40 પ્રશ્નો કર્યા છે. બેઠકમાં મત વિસ્તારમાં વિકાસ દુર્લભ હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. બાવળીયાના નિવેદનોમાં ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. બાવળીયા સરકાર અને તંત્રને પ્રશ્નોનું દબાણ કરી ટિકિટ નક્કી કરાવી રહ્યાંની ચર્ચાઓ થઇ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બાવળીયાને ટિકિટ કપાવવાનો ડર સતાવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ કુંવરજી બાવળીયા કોળી સમાજને એકત્ર કરીને સમયાંતરે શક્તિપ્રદર્શન કરતા રહ્યા છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટમાં સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઇ હતી. આ સમયે ભાજપના નેતા કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, દરેક પાર્ટી પાસેથી કોળી સમાજને અપેક્ષા છે. સમસ્ત કોળી સમાજ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે. OBC સમાજને કઈ રીતે આગળ લાવવા તેના ચિંતન માટે સંમેલન યોજાયું છે. તેમજ તેમણે જણાવ્યુ હતું કે દેવજીભાઇ ફતેપરા થોડા રોષે ભરાયા છે.
ગત 5 જાન્યુઆરીના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં કોળી-ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કોળી અને ઠાકોર સમુદાયના અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ અને મહામંથન કર્યું હતું. આ બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી દેવામાલમ અને મુકેશ પટેલે પણ હાજરી આપી હતી. જ્યારે સાંસદ ભરતજી ડાભી, રાજેશ ચુડાસમા, પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, MLA અજમલજી ઠાકોર, MLA કનુ પટેલ, MLA પરસોત્તમ સાબરિયા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજના બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોળી સમાજની મળેલી આ બેઠકમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ન બોલાવાતા દેવજી ફતેપરા આ મુદ્દે નારાજગી દર્શાવી છે. આ નારાજગીના કારણે કોળી સમાજમાં બે ફાંટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કુંવરજી બાવળિયા સામે રાજકોટના વેલનાથપરા વિસ્તારના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓએ વિરોધ કર્યો હતો અને દેવજી ફતેપરાની વાતને સાચી ગણાવી હતી. કુંવરજી બાવળિયા આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર કમલમ પહોંચ્યાનો આરોપ લગાવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં 2 જાન્યુઆરીએ કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા દેવજી ફતેપરાએ નારાજગી દર્શાવી હતી. ફતેપરાએ કહ્યું હતું કે મને એકલો પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે બાદ દેવજી ફતેપરા અલગથી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અલગથી મળવા જશે તેવું નિવેદન આપ્યું હતું. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે કોળી સમાજને પ્રભુત્વ મળે તે માટે બેઠક મળી હતી. બેઠક બાદ ભાજપે કોળી સમાજના નેતાઓને બેઠક માટે બોલાવ્યા હતા. ભાજપ સાથેની બેઠકમાં કુંવરજી બાવળિયા અને તેમના જૂથના અગ્રણીઓને જ આમંત્રણ અપાયું હતું જેના કારણે ફતેપરાએ નારાજગી દર્શાવી છે.
પાટીદાર સમાજ બાદ, કોળી સમાજ,ઠાકોર સમાજ. દલિત સમુદાયનાં સામાજિક સંમેલન મળી ચુક્યા છે. રાજકોટમાં કુંવરજી બાવળીયા, દેવજી ફતેપરાએ અગાઉ શિયાળાની કડકડતી ઠંડીમાં ‘તાપણું’ કરી સમાજમાં અંદર ધધકતી આગને ચૂંટણી સુધી એવી જ રાખવા પ્રયત્ન કર્યો છે. જેને લઈને રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન કોળી સમાજનું મળ્યું હતું. મહત્વનું છે કે સરકારની ગતિવિધિઓનો ઈશારો અને સામાજિક સંમેલનોથી રાજ્યની જનતાને ‘હવામાન’થોડું એ રીતે ‘અકળ’લાગે છે કે ‘વરતારો’જુદો હશે. દરેક સમાજના દરેક નેતા અત્યારે જે પક્ષમાં છે તેમાં સામાજિક સંમેલનથી ‘એડી-ચોટીનું જોર’ લગાવે છે. જો બધું સમુ-સુતરું પાર ઉતરે, તો ઠીક છે, નહિ તો પછી પવન પ્રમાણે પીઠ ફેરવવાની ‘સાધ્ય’ કલા તો હસ્તગત છે જ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!