AAPની ઇન્સાઇડ સ્ટોરી : જાણો કેજરીવાલે ગુજરાતમાં પાટીદાર કાર્ડ ખેલવા માટે નરેશ પટેલ અને બીજા કોની સાથે વાત ચિત કરી

ગુજરાત ટોપ ન્યૂઝ
  • ખોડલધામ નરેશ નહીં તો મહેશ સવાણી ‘આપ’માં એક્ટિવ બન્યા
  • ખોડલધામની બેઠકમાં નરેશ પટેલે ‘આપ’નાં વખાણ પણ કર્યાં હતાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હજી દોઢ વર્ષ જેવો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ રાજકીય પક્ષો તૈયારીઓમાં જોતરાય ગયા છે. ખાસ કરીને આમઆદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં ઊભરી રહી છે. ત્યારે ચૂંટણી નજીક આવે એટલે પાટીદાર સમાજની નોંધ લેવાનું શરૂ થઇ જાય છે. લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલને કેજરીવાલ આમઆદમી પાર્ટીમાં લઇને પાટીદારકાર્ડ ખેલવા માગતા હતા, પરંતુ તેમણે ના પાડતાં સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને પાટીદારોનો ચહેરો બનાવ્યો. આમઆદમી પાર્ટીના નેતાએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે કેજરીવાલે આ માટે નરેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક પણ કર્યો હતો.

2022માં મુખ્યમંત્રી તો પાટીદારનો જ હોવો જોઈએ એવી નરેશ પટેલની ઇચ્છા
નરેશ પટેલ ‘આપ’માં જોડાવાની જાહેરાત કરે તો પાટીદારોમાં મોટા ચહેરા તરીકે ગુજરાતમાં તેમનું આગમન થાય એમાં કોઈ નવાઈ નથી, પરંતુ કેજરીવાલે એક પાટીદારકાર્ડ ખેલ્યું હોય તેમ નરેશ નહીં તો મહેશનો સંપર્ક કરીને ‘આપ’માં જોડી લીધા. વર્ષોથી ગુજરાતમાં જ્ઞાતિ આધારિત ચૂંટણી લડાય રહી છે. ત્યારે પાટીદારની વોટ બેંક ખૂબ મહત્ત્વની રહેશે, જેને કારણે દર વખતે પોલિટિક્સ પ્રેશર માટે ખોડલધામ નરેશ આગળ આવે છે. આ વખતે પણ તેમણે આગળ આવીને કહ્યું હતું કે 2022માં મુખ્યમંત્રી તો પાટીદારનો જ હોવો જોઈએ અને લેઉવા-કડવાની રાજનીતિ પૂરી કરવા સમગ્ર સમાજને એક કરી પાટીદાર સમાજ નામ પણ આપવામાં આવ્યું.

પાટીદારો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે એ કહેવું મુશ્કેલ
નરેશ પટેલે ખોડલધામમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન અમે સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે એ વિશે ચર્ચા કરી છે. અમારા જે અધિકાર બને છે એની ચર્ચા આગામી દિવસોમાં કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે. અહીં કોઈ CM કે કોઈ પક્ષને સપોર્ટ કરવાની વાત નથી, પરંતુ જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું વર્ચસ્વ વધે એની જરૂર થઈ ચર્ચા કરવામાં આવશે. હાલ ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં અધ્યક્ષસ્થાને પાટીદારોની ચર્ચા થઈ રહી છે. હજુ 15 મહિના પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે કદાચ કોરોનાની ત્રીજી લહેર પણ આવી જાય એટલે પાટીદારો ચૂંટણીમાં ક્યાં પક્ષ સાથે હશે એ કહેવું મુશ્કેલ છે.

AAPએ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં
તેમણે વધુમાં જણાવ્યું હતું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં તેનું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. ચૂંટણી સમયે જ સમાજ યાદ આવતો હોય તેવો ઘાટ દર વખતની ચૂંટણીમાં જોવા મળે છે. નરેશ પટેલે તાજેતરમાં જ ખોડલધામમાં યોજાયેલી લેઉવા-કડવા પાટીદારની બેઠકમાં આમઆદમી પાર્ટીનાં વખાણ કર્યા હતા.

‘આપ’ પક્ષ ગુજરાતમાં એડીચોટીના જોરથી સક્રિય થઇ રહ્યો છે
ગુજરાતમાં અત્યારથી જ ત્રીજો પક્ષ ‘આપ’ એડીચોટીના જોરથી એક્ટિવ થઇ રહ્યો છે. ગુજરાતમાં ‘આપ’ પક્ષ મોટા ચહેરાઓ મેદાનમાં લાવી રહ્યો છે. ત્યારે તેની સાથે જોડાયેલા એક ટોચના નેતાએ કહ્યું હતું કે કેજરીવાલે ખોડલધામ નરેશનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ‘નરો વા કુંજરો વા’ જેવો જવાબ આપ્યો હતો. જોકે થોડા સમય પહેલાં ખોડલધામમાં લેવા-કડવા પાટીદારો એક થયા ત્યારે નરેશ પટેલે ‘આપ’નાં પણ વખાણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.