ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ / કિશન ભરવાડની હત્યા કેસ મામલે સૌથી મોટા સમાચાર, જુઓ મૌલાના કરમગી ઉસ્માનીના સંગઠનને લઈને પોલીસને મળ્યા આ મોટા પુરાવા

ટોપ ન્યૂઝ ગુજરાત

મૌલાના કમર ગનીએ ઇદ પર કુરબાની માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ બે નકાબ થઈ રહ્યા છે. એવા સમયે હવે એટીએસને કમર ગની જ આ કેસમાં મહત્ત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. હત્યા કેસની તપાસમાં ATSની તપાસમાં કમર ગનીની બેંક ડિટેલ્સનો ઘટસ્ફોટ થયો છે, જેની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ જોડાશે.

મૌલાનાના ખાતામાં 11 લાખથી વધુ રૂપિયા
મૌલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું, એમાં 11 લાખથી વધુ રૂપિયા હતા અને એમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ઘટસ્ફોટ થયા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ત્રિપુરામાં UAPA હેઠળ કેસ નોંધાયો તો તેના વકીલને પણ 1.50 લાખ એમાંથી આપ્યા હતા. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોઈ, એની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં એની શંકાના આધારે હવે ED પણ આ મામલે તપાસમાં જોડાશે.

કમર ગનીનો મોબાઈલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે દિલ્હીના મૌલાના કમર ગની, અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા. જે અંગે હવે સોશિયલ મીડિયા મહત્ત્વની કડી સાબિત થશે. ગુજરાત એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમર ગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્ત્વનાં છે. કમર ગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે FSLને ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેમાંથી હવે જે ડેટા રિકવર થશે, એના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમર ગનીના તાર ક્યાં સુધી ઘૂસેલા છે એ જાણવા મળશે.

કમર ગનીએ જ મૌલાના અયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી
ધંધૂકાના યુવકને ટાર્ગેટ બનાવીને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી હત્યાના પ્લાન ઘડાવી દીધો હતો. આ કૃત્ય અંગે ધર્મમાં કોઇ ગુનો નથી એવું સમજાવીને કટ્ટરતા ઊભી કરી હતી. એટલું જ નહીં, આ હત્યા થયા પહેલાં જ આરોપીને લીગલ મદદ કરવાની તૈયારી બતાવી હતી.

કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું. આ પહેલાં પોરબંદરના સાજણ ઓડેદરાએ પણ મહંમદ પયગંબર વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાથી તેની પણ હત્યા કરવાના હતા. ‘તૈહરી કે ફરોકી’ ઇસ્લામિક સંગઠન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, જેથી આ સંગઠન સાથે સોશિયલ મીડિયા પર કોણ કોણ જોડાયેલું છે, કોણ તેની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરે છે તે લોકોની ATSએ તપાસ શરૂ કરી છે. એ માટે સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે.

જેહાદી ભાષણથી પ્રેરાઈને શબ્બીરે કિશનની હત્યા કરી
ATSએ જણાવ્યું હતું કે કિશનની હત્યામાં ઝડપાયેલ આરોપી શબ્બીર અને મૌલાના કમર ગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યા હતા. ATSની તપાસમાં ખૂલ્યું છે કે મૌલાના કમર ગની મુસ્લિમ સમાજ પર ટીકાટિપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરતો. આવા જ એક જેહાદી ભાષણથી પ્રેરાઈને આરોપી શબ્બીરે ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કરી હતી.

કમર ગની ઉસ્માની ગુજરાતમાં એક-બેવાર નહીં, પણ અનેકવાર આવી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદના ચંડોળા તળાવથી લઈ શાહઆલમમાં પણ તે એક્ટિવ હતો. આ મુલાકાતો દરમિયાન મૌલાના ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડી ગયો હોવાની વિગતો એક પછી એક ખૂલી રહી છે. કમર ગની અમદાવાદના ગોમતીપુર, દાણીલીમડા, ચંડોળા, શાહઆલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો. મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા.

સેન્ટ્રલ IB દરરોજ કમરની પૂછપરછ કરે છે
તેની સાથે હવે કમર ગની તેના ત્રણ લેયરને કારણે જલદીથી લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકતો હતો. અલગ અલગ ધાર્મિક બાબતના નામે લોકો સુધી પહોંચવા કમર ગનીએ લીગલ વાતોના નામે SOP બનાવી હતી. કમર ગનીની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કમર ગનીની પૂછપરછ કરવા માટે ATS આવી છે, જેમાં સેન્ટ્રલ આઇબી દરરોજ કમરની પૂછપરછ કરે છે. હવે તેની સાથે NIA(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)પણ જોડાઈ ચૂકી છે.

ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં મોઢવાના નાકે 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.