કર્ણાટકના ઉડ્ડુપીમાં શરૂ થયેલો હિજાબ ધીરે-ધીરે દેશભરમાં ફેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તરપ્રદેશના અલીગઢથી લઈને મહારાષ્ટ્રના માલેગાંવ સુધી હિજાબના સમર્થનમાં મુસ્લિમ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. બુરખો પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાનારી મહિલાઓએ બેનર અને પોસ્ટર લઈને હિજાબને સમર્થન આપ્યું છે. શુક્રવારે યુપીના અલીગઢમાં મુસ્લિમ મહિલાઓએ હિજાબના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે કહ્યું કે, “હિજાબ અમારો હક છે, અમે તેને ઉતારીશું નહીં.”
આ પહેલા ગુરૂવારના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં હજારો મુસ્લિમ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓના પ્લેકાર્ડમાં ‘હિજાબ અમારો હક છે અને હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચી લો’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું કે, તે શુક્રવારે માલેગાંવમાં “હિજાબ દિવસ” ઉજવશે.
માલેગાંવ વિરોધ પ્રદર્શનનું આયોજન ગુરુવારે જમિયત-ઉલેમા-એ-હિન્દ નામના ઇસ્લામિક સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ બાદ સંગઠન સાથે સંકળાયેલા ચાર લોકો સામે કલમ 144ના ભંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે સ્થાનિક વહીવટીતંત્રની કોઈ પરવાનગી લેવામાં આવી નથી. પોલીસે આ કેસમાં મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના સ્થાનિક ધારાસભ્યને પણ નોટિસ ફટકારી છે. ધારાસભ્ય પર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો અને ભાષણો આપવાનો આરોપ છે.
જમ્મુ-કાશ્મીરમાં હિજાબ સામે વિરોધ પ્રદર્શન
જમ્મુમાં આરએફએ-ડોગરા ફ્રન્ટના કાર્યકરો હિજાબનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓએ રાજકીય યુદ્ધનું મેદાન ન બનવું જોઈએ. તેમણે કહ્યું કે શાળાઓમાં હિજાબ કે ભગવા શાલને મંજૂરી આપવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ 1 જાન્યુઆરી 2022થી શરૂ થયો હતો. આ વિવાદની શરૂઆત રાજ્યના ઉડુપી જિલ્લાની મહિલા પ્રી-યુનિવર્સિટી કોલેજથી થઈ હતી. અહીં મુસ્લિમ સ્કૂલની છોકરીઓને હિજાબ પહેરવાની મંજૂરી નહોતી. મુસ્લિમ વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. આ વાત ધીરે ધીરે ફેલાવા લાગી અને વિરોધના નિશાન સ્વરુપે રાજ્યની અન્ય કોલેજોમાં મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને આવવા લાગી.
વિરોધમાં ભગવા શાલ ઓઢીને હિન્દુ વિદ્યાર્થીઓ વર્ગમાં આવવા લાગ્યા હતા. આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે વિદ્યાર્થીઓને સુનાવણી સુધી કોલેજમાં કોઈ ધાર્મિક પોશાક ન પહેરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ઘણા લોકોએ આ કેસની સુનાવણી માટે અરજીઓ પણ કરી છે પરંતુ, સુપ્રીમ કોર્ટે તેની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
પ્રિન્સિપાલે કહ્યું- ‘એવું નથી લાગતું કે અમારી કોલેજના વિદ્યાર્થીઓ છે’
આ મામલે આજ તક સાથે વાત કરતા ઉડુપી સરકારી કોલેજના પ્રિન્સિપાલ રુદ્ર ગૌડાએ કહ્યું હતું કે આ વિવાદ ગયા વર્ષે 27 ડિસેમ્બર પછી શરૂ થયો હતો અને આ ઉશ્કેરણી પાછળ કેટલાક વિદ્યાર્થી સંગઠનોનો હાથ હતો. તેણે તો એમ પણ કહ્યું કે હવે તે જોઈને એવું નથી લાગતું કે છોકરીઓ તેની કોલેજની છે. પ્રિન્સિપાલને પૂછવામાં આવ્યું કે શું 31 ડિસેમ્બરે કેટલીક વિદ્યાર્થિનીઓએ તેમની પાસે હિજાબ પહેરીને આવવાની મંજૂરી માંગી હતી? આ અંગે આચાર્યએ જણાવ્યું હતું કે હા, એવું થયું હતું અને તેમણે વિદ્યાર્થિનીઓને કહ્યું હતું કે તેમણે આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે અને જ્યાં સુધી તેમનો જવાબ નહીં મળે ત્યાં સુધી હિજાબ વગર જ આવવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!