રાષ્ટ્રીય યુવા દિવસ સ્પેશિયલ / જો તમે કંઇક નવું કરી રહ્યા છો, તો તમે યુવાન છો, વાંચો એ ગુજરાતી ઉર્જાવાન યુવાઓ વિશે જેમણે ‘શૂન્યમાંથી સર્જન’ કર્યું

ઇન્ડિયા ગુજરાત

“ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો” – સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવાય છે

12 જાન્યુઆરી. દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આ‌વે છે. યુવાની એટલે થનગનાટ, યુવાની એટલે જુસ્સો, યુવાની એટલે જવાબદારી, યુવાની એટલે જીવન કેવી રીતે જીવવું છે એ ચાવી. યુવાનીની હજાર વ્યાખ્યાઓ થઇ શકે છે. દુનિયાના તમામ દેશોમાં યુવા દિવસની ઉજવણી થાય જ છે. આપણે દર 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીએ યુવા દિવસની ઉજવણી કરીએ છીએ. આજે કેટલાક એવા ગુજરાતી યુવાઓની વાત જેમણે યુવાનીમાં જ સાબિત કરી દીધું કે જો આપણે કોઇ સપનું જોઇએ અને જો હિંમત હોય તો સપનાં પૂર્ણ પણ કરી શકાય છે.

તેમણે સાબિત કરી બતાવ્યું કે દિવ્યાંગ શરીરથી હોય છે, મનથી નહીં!
તેમણે સાબિત કરી બતાવ્યું- મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં જન્મેલાં ભાવિના પટેલ 12 મહિનાના હતા ત્યારે પોલિયોના શિકાર બન્યાં હતાં. પરંતુ પોતાના મજબૂત મનોબળના જોરે તેમણે રમતગમત ક્ષેત્રમાં સમગ્ર દેશનું નામ રોશન કર્યું. તેઓ ટોક્યો પેરાલિમ્પિક 2020માં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા બની ગયાં છે. રમતગમત ક્ષેત્રે આપેલા યોગદાનના કારણે તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે. આ કારણે રોલ મોડલઃ પેરાલિમ્પિક સેમીમાં ચીનને હરાવી સાબિત કરી બતાવ્યું કે ‘કંઈ પણ અશક્ય નથી

કોલ સેન્ટરમાં પણ કામ કરવું પડ્યું હતું, 9 વર્ષના સંઘર્ષ બાદ રંગ પુરાયા
તેમણે સાબિત કરી બતાવ્યું- ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી રાતોરાત લાઇમલાઇટમાં આવેલા મલ્હાર ઠાકરને મોડર્ન ગુજરાતી સિનેમાના મેગાસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધપુરમાં જન્મેલા અને અમદાવાદમાં ઉછરેલા મલ્હારનું નાટ્યક્ષેત્રે ઘડતર મુંબઈમાં થયું. અર્બન ગુજરાતી યુવા વર્ગના પ્રતીક સમાન મલ્હારે ફિલ્મો પસંદ કરવામાં પણ વૈવિધ્યતા દાખવી અને તેમાં સફળતા પણ મેળવી. છેલ્લા 7 વર્ષમાં તેણે 20થી પણ વધુ ફિલ્મોમાં લીડ એક્ટર તરીકેની ભૂમિકા ભજવી છે. આ કારણે રોલ મોડલઃ મોડર્ન ગુજરાતી ફિલ્મ યુગનો પહેલો સુપરસ્ટાર હોવાની સિદ્ધિ પ્રાપ્ત કરી.

એક જ ટી-શર્ટ હતી, રોજ ધોઇને પહેરતો, આજે બેટ્સમેનોને રોવડાવે છે
તેમણે સાબિત કરી બતાવ્યું- અનઓર્થોડોક્સ બોલિંગ એક્શન, ટૂંકું રનર-અપ છતાંય વિશ્વમાં ઘાતક બોલરોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો જસપ્રીત બુમરાહ ટૂંકા ગાળામાં જ ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાનો સૌથી ભરોસાપાત્ર બોલર બની ગયો છે. 5 વર્ષની ઉંમરે પિતાને ગુમાવનાર અને શિક્ષિકા માતાની નિશ્રામાં પંજાબી પરિવારમાં ઉછરેલા આ અમદાવાદી મુંડો ફાસ્ટ બોલિંગમાં કારકિર્દી બનાવવા માંગતા લાખો યુવાઓનો રોલ મોડલ છે. બુમરાહે ટી-20, વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 280 બેટરોને પોતાના શિકાર બનાવ્યા છે અને તેનું કાઉન્ટિંગ સતત ચાલુ જ છે. આ કારણે રોલ મોડલઃ ફિટનેસની સાથે સાતત્યપૂર્ણ પ્રદર્શન છતાં લાઇમલાઇટથી દૂર રહી લોકપ્રિયતા મેળવી

ક્યારેક નવો શર્ટ લેવા પણ વિચાર કરવો પડતો, આજે ખભે સિતારા છે
તેમણે સાબિત કરી બતાવ્યું – રાજ્યના સૌથી યુવા વયે આઇપીએસ અધિકારીનું પદ મેળવનાર સફીન હસન હાલમાં ભાવનગરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેટ ઓફ પોલીસ તરીકે કાર્યરત છે. બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં આર્થિક રીતે નબળાં પરિવારમાં ઉછરેલા સફીન હસનને નાનપણથી જ કલેક્ટર અને આઇપીએસ બનવાનું લક્ષ્ય રાખી અભ્યાસ કર્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં જ યુપીએસસીની પરીક્ષા આપી હતી અને ઓલ ઈન્ડિયામાં 570મો રેન્ક મેળવ્યો હતો. આ કારણે રોલ મોડલઃ ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ મેળવીને પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેનું દૃષ્ટાંત પૂરું પાડ્યું.

ઘરે નળથી પાણી પણ નહોતું આવતું, આ સરિતા હવે આખી દુનિયામાં જાણીતી
તેમણે સાબિત કરી બતાવ્યું – ગુજરાતની ખો-ખો ટીમનો હિસ્સો બનીને 2010 સુધી નેશનલ લેવલે રમનારી સરિતા 2018માં જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં 4 X 400 મીટર રીલે રેસમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો હિસ્સો બની. ‘ડાંગ એક્સપ્રેસ’ના નામે ઓળખાતી સરિતાનો જન્મ ડાંગના ખરાડી અંબા ગામમાં થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારનારી સરિતાની રાજ્ય સરકારે નાયબ પોલીસ અધિક્ષકના પદે નિમણૂક કરી છે. આ કારણે રોલ મોડલઃ ઓછાં સંસાધનો હોવા છતાં લક્ષ્ય પ્રાપ્તિ માટે સરિતા હંમેશા પ્રયત્નશીલ રહી.

એ.આર. રહેમાન પાસે તૈયાર થઈ પિતાના લોકસાહિત્યના વારસા સાથે સંગીત પીરસ્યું
તેમણે સાબિત કરી બતાવ્યું – માત્ર 18 વર્ષની ઉંમરે જાણીતા સિંગિંગ રિયાલિટી શૉ લોકગાયક ગુજરાત વિજેતા બનનાર આદિત્ય ગઢવીને સંગીતનો વારસો પિતા યોગેશ ગઢવી પાસેથી મળ્યો છે. એ.આર. રહેમાનની મ્યૂઝિક ઇન્સ્ટિટ્યૂટમાં ચાર વર્ષ સંગીતની તાલીમ લેનાર આદિત્ય રાજ્યની લોકગાયકીનો વારસો આગળ વધારી રહ્યો છે સાથોસાથ સૂફી સંગીત અને ફૉક ફ્યૂઝનના નવા આયામો સર કરી રહ્યો છે. આ કારણે રોલ મોડલઃ અથાગ મહેનત થકી વારસામાં મળેલી કળાને સફળતામાં પરિવર્તિત કરવાનું હુનર.

ફિઝિયોથેરાપીનું ભણ્યો પણ સંગીતના જીવે ગીતોને જ જીવન બનાવી લીધું
તેમણે સાબિત કરી બતાવ્યું – ‘જીગરા’ નામથી જાણીતા જીગરદાન ગઢવીએ ફિઝિયોથેરેપીમાં સ્નાતક પદવી મેળવી પરંતુ તેમણે સંગીતને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી. ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’ના ગીત ‘વ્હાલમ આવો ને’થી લોકપ્રિયતા મેળવનાર જીગરાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેણે નાનપણથી જ ગીતો કમ્પોઝ કરવાનું શરૂ કરી દીધું હતું. સોંગ રાઇટર, કમ્પોઝર, પર્ફોમર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા જીગરાના મેલોડિયસ સ્વરે તમામ વય જૂથના લોકોને દીવાના બનાવ્યા છે. આ કારણે રોલ મોડલઃ ગુજરાતી સંગીતમાં નવી ઊર્જાનો સંચાર કરી સફળતાના શિખરો સર કર્યા.

ટેમ્પોચાલક પિતા, પહેરવા સારા શૂઝ પણ નહીં, કપરાં ચઢાણો પાર કરી સફળતા મેળવી
તેમણે સાબિત કરી બતાવ્યું – આઇપીએલ ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે જ્યારે ગુજરાતના ઊભરતા પ્લેયરને 1.20 કરોડમાં ખરીધ્યો ત્યારે ચેતન લાઇમલાઇટમાં આવ્યો. ભાવનગરના વરતેજ ગામમાં જન્મેલા ચેતનના પિતા ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં ચેતનની પસંદગી થઈ પણ તેની પાસે સારા શૂઝ નહોતાં તો તેને એકેડમીમાં રમવા માટે સ્પાઇકવાળાં જૂતા શેલ્ડન જેક્સને આપ્યાં હતાં. લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર ચેતને આઇપીએલ ડેબ્યૂ મેચમાં જ 3 વિકેટ લઈને પોતાના બાવડાનું કૌવત દર્શાવી દીધું હતું. આ કારણે રોલ મોડલઃ આર્થિક સંકડામણ છતાં ટીમ ઈન્ડિયામાં રમવાનું સપનું પૂરું કર્યું.

ફેટમાંથી ફિટ થવાનું સૌથી સારું પૂર્ણ સપનું એટલે સપના, આજના યુથ માટે પ્રેરણા
તેમણે સાબિત કરી બતાવ્યું – સપના વ્યાસે સતત વર્કઆઉટ કરીને પોતાનું વજન 80માંથી 30 કિલો ઘટાડી ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલી મેળવવાનો કોઈ શોર્ટકટ નથી એ સાબિત કરી બતાવ્યું છે. બીજેપીના દિગ્ગજ નેતા ડૉ. જયનારાયણ વ્યાસની દીકરીએ પિતાથી અલગ ચીલો ચાતરીને વજન ઘટાડવા, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને લાઇફસ્ટાઇલમાં પરિવર્તન માટેનું માર્ગદર્શન આપવાની કારકિર્દી પસંદ કરી અને તેમાં જ્વલંત સફળતા પણ મળી. આ કારણે રોલ મોડલઃ દવા કે સર્જરી વિના પણ વજન ઘટાડી ફિટનેસ પ્રાપ્ત કરી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ.

ત્યારે ક્રિકેટ રમવા કિટ પણ નહોતી, પણ તેમણે પિતાના સંઘર્ષને એળે ન જવા દીધો
તેમણે સાબિત કરી બતાવ્યું – પોતાની બોલિંગ અને સ્ફોટક બેટિંગના કારણે ટૂંકા સમયમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનનો અભિન્ન અંગ બની ગયેલા હાર્દિક પંડ્યાનો જન્મ સુરતના ચોર્યાસીમાં થયો હતો. બે દીકરાઓની ક્રિકેટમાં કારકિર્દી ઘડવા તેમના પિતા સુરતથી વડોદરા શિફ્ટ થયા. કિરણ મોરેની ક્રિકેટ એકેડમીમાં ઘડાયેલા આ ઓલરાઉન્ડરે ટેસ્ટ ક્રિકેટની એક જ ઓવરમાં સૌથી વધુ 26 રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એક સમયે ક્રિકેટ રમવા માટે હાર્દિક પાસે કિટ પણ નહોતી. આજે વર્લ્ડ ફેમસ છે. આ કારણે રોલ મોડલઃ આગવા સ્વેગ સાથે મેદાનમાં ઉતરતો હાર્દિક મોર્ડન ઈન્ડિયન ક્રિકેટનું પ્રતિબિંબ.

IAS નહીં, IPS બન્યાં, મહિલા-બાળકો સામેના ક્રાઇમ મહિલા વધુ સમજી શકે
તેમણે સાબિત કરી બતાવ્યું – ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી વરેશ સિન્હાની દીકરી લવીનાએ એમડી મેડિસિનના અભ્યાસ બાદ 2016માં યુપીએસસી પરીક્ષામાં 183મો રેન્ક પ્રાપ્ત કર્યો અને પિતાની જેમ આઇએએસ બનવાને બદલે આઇપીએસ બનવાનું પસંદ કર્યું. તેમણે વ્યાજખોરો સામે અભિયાન ચલાવી લગામ કસી. તેમનું માનવું છે કે મહિલાઓ- બાળકો વિરુદ્ધના ગુનાઓને મહિલા પોલીસ અધિકારી વધુ સારી રીતે ટેકલ કરી શકે છે. આ કારણે રોલ મોડલઃ પિતાની જેમ ગુજરાતને જ કર્મભૂમિ બનાવી પોલીસ વિભાગના મેકઓવરમાં સક્રિય ભૂમિકા

પૂર્વજોએ રજવાડું દેશને ધર્યું હતું, યુવરાજ રાજ્યને સૌથી ફિટ બનાવવા માંગે છે
તેમણે સાબિત કરી બતાવ્યું – ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી તથા સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવીને પારિવારિક બિઝનેસને નવી દિશા આપી રહ્યા છે. ફિટનેસ ઉદ્યોગમાં મોડર્ન અને પારંપરિક પદ્ધતિઓનો સમાવેશ કરીને તેમણે આગવી ઓળખ મેળવી. રાજ્યના બોડી બિલ્ડિંગ એસોસિયેશને તેમને સંસ્થાના પ્રેસિડન્ટની જવાબદારી સોંપી. તેમની ઈચ્છા છે કે ગુજરાત સૌથી ફિટ રાજ્ય બને. આ કારણે રોલ મોડલઃ પારિવારિક બિઝનેસની સાથે બોડી બિલ્ડિંગના શોખને પ્રોફેશનમાં પરિવર્તિત કર્યો.

ખેડૂત પિતાએ જમીન વેચી દીકરીને US મોકલી, 11 મહિનામાં જ પાઈલટનું લાઈસન્સ મેળવ્યું
તેમણે સાબિત કરી બતાવ્યું – ખેડૂત પિતાએ જમીનનો ટુકડો વેચીને દીકરી મૈત્રીને પાઈલટની ટ્રેનિંગ માટે અમેરિકા મોકલી અને 18 મહિનાનો કોર્સ માત્ર 11 મહિનામાં પૂરો કરીને દેશની સૌથી યુવા પાઈલટ બની. સુરતમાં ઉછરેલી મૈત્રીએ જ્યારે 8 વર્ષની ઉંમરે પહેલીવાર પ્લેન જોયું તો તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે તે પાઈલટ બનીને જ રહેશે. મૈત્રીની ઉડાન અહીંથી અટકતી નથી તેને બોઇંગ ઇલેવન ઉડાવું છે અને કેપ્ટન બનવું છે. આ કારણે રોલ મોડલઃ નાની ઉંમરે જોયેલાં સપનાંને જીવનનું મિશન બનાવી સફળતા પ્રાપ્ત કરી.

‘ચાર ચાર બંગડિવાળી’ ગીતના એક આઇડિયાએ જિંદગી બદલી નાખી
તેમણે સાબિત કરી બતાવ્યું – ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી સફળતાની ફુલ સ્પીડે દોડનારી કિંજલ દવેએ રાસ-ગરબા, લોકગીત અને ભક્તિસંગીતમાં પણ પોતાનો મધુર કંઠ આપીને લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જેસંગપરા ગામમાં જન્મેલી કિંજલને 7 વર્ષની ઉંમરે સંગીતમાં રુચિ ઊભી થઈ જે તેને 17 વર્ષની ઉંમરે સફળતાના શિખર સુધી લઈ ગઈ. પોતાની ટૂંકી કારકિર્દીમાં તેણે ‘અમે ગુજરાતી લહેરી લાલા’, ‘ખમ્મા ખોડલ’ જેવા અનેક લોકપ્રિય ગીતો આપીને તેના ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. આ કારણે રોલ મોડલઃ લોક સંગીતની સાથોસાથ મોર્ડન ગુજરાતી ગીતોથી પણ સફળતા મળેલી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.