અરે બાપરે / સુરતમાં કેમિકલ માફિયાઓના પાપે ઝેરી ગેસ ફેલાવાથી 6 મજૂરોના મોત, 7 વેન્ટિલેટર પર અને 25થી વધુ ગૂંગળાયા, જુઓ પોલીસ કમિશ્નર ખુદ ઘટના સ્થળે પહોંચ્યા

સુરત ટોપ ન્યૂઝ

સુરતના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે 23થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામણ થતાં હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. એમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતો થઈ ગયો છે. તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.પોલીસે સમગ્ર મામલે માનવ વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું:
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.

ઝડપથી સારવાર ચાલી રહી છે, એ પ્રાથમિકતાઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે. એ પ્રાથમિકતા છે. ત્યાર બાદ જે જરૂર હશે, એ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે-ત્રણ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે. ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે, પણ ભાનમાં આવી જશે એવી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિકલ હતું એ થોડું હેવી હશે, કેમ કે, પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

સીઆર પાટીલે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું
ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલે સચિન જીઆઈડીસીની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલાં ટેન્કરો જે ખાલી કરવા આવે છે. એના માલિકોને શોધીને તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ.

GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી અસર થઈ હતી, જેને કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

‘અચાનક કંઇક સ્મેલ આવી ને બધા પડવા લાગ્યા’
સાડીની મિલમાં કામ કરતા એક કામદારે જણાવ્યું હતું કે અમે કામ કરતા હતા ત્યારે અચાનક કંઇક સ્મેલ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યા. અમે કાપડ મિલમાં સાડી છાપવાનું કામ કરીએ છીએ. આ ઘટના થતાં જ બધા દોડધામ કરવા લાગ્યા.’

તબીબોએ સારવાર શરૂ કરી
ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં, તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા. ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યાં હતાં. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પર ધ્યાન અપાઈ રહ્યું છે. ડોક્ટરો બને એટલું, શક્ય હશે એ કરીને હવે કોઈ મૃત્યુ ન થાય એની કામગીરીમાં જોડાયા છે.

10 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી
પઠાણ (108 પ્રોજેકટ મેનેજર)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ સવા ચાર વાગ્યાની હતી. પ્રથમ કોલ સચિન લોકેશનની એમ્બ્યુલન્સને મળ્યો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળે અનેક દર્દીઓ ગૂંગળાયેલી હાલતમાં હોવાની લગભગ વિવિધ લોકેશનની 10 એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. ઓછામાં ઓછા 29 અસરગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર સાથે સિવિલ લઈ જવાયા હતા. 108ના EMT અને પાયલોટની સૂઝબૂઝ સહિતની કામગીરીને હું આવકારું છું.

ટેન્કરની એક પાઇપ ડ્રેનજ લાઈનમાં હતીઃ મેનેજર
વિશ્વ પ્રેમ મિલના પ્રોડક્શન મેનેજર સંજય પટેલે આ મામલે જણાવ્યું હતું કે ‘મિલ બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઊભું હતું, એની એક પાઇપ બાજુની ડ્રેનેજ લાઈનમાં હતી. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો જમીન પર પડવા લાગ્યા અને આખી મિલમાં ગેસ ગૂંગળામણની અસર થઈ ગઈ હતી.’

કેટલાક ગંભીર તો કેટલાકની હાલત સારીઃ ડોક્ટર
આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ‘સવારે 5 વાગ્યાની આસપાસ દુર્ઘટનાનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક તમામ તૈયારી સાથે સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે અમે તાત્કાલિક તમામ સુવિધાઓ ઊભી કરી હતી. ત્યાર બાદ 20 દર્દીને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત લાવવામાં આવ્યા, જેમાંથી 6 દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ દર્દીઓમાંથી કેટલાકની હાલત સારી છે તો કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે.’

લોકોને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવતા હતાઃ હેલ્પર
આ મામલે વિશ્વ પ્રેમ મિલમાં હેલ્પર તરીકે કામ કરતા યુવક દિલીપકુમારે જણાવ્યું હતું કે ‘કેમિકલ ટેન્કરમાં આગ લાગી હતી. ત્યારે ધુમાડો નીકળતો હતો. લોકોને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવતા હતા ત્યારે અમે જઈને જોયું તો તેમાં 3 લોકો અમારા હતા. અમે બહાર ગયા અને જોયું તો ગેટની બહાર કોઈ કલર પડ્યો હતો, એમાં આગ લાગી હતી. ત્યાં આસપાસ પંદરથી વીસ લોકો જમીન પર પડ્યા હતા. સાડાત્રણ-ચાર વાગ્યે મદદ મળી હતી.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.