આત્મઘાતી ‘ક્વીન’ કંગના રનૌતે બેફામ બોલીને કરોડોની બ્રાન્ડ્સ ગુમાવી, અનેક કંપનીઓએ ચૂપચાપ છેડો ફાડ્યો

બોલિવૂડ

એક સમયે કંગનાની પાસે અનેક બ્રાન્ડ હતી, આજે માંડ એકાદ-બે છે

કંગનાએ જાતે સ્વીકાર્યું છે કે તેણે 15 કરોડના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ગુમાવ્યા છે

અમિતાભ બચ્ચન પોતાની ડાયલોગ ડિલિવરી માટે જાણીતા છે. કોનામાં એવી હિંમત કે જે અમિતાભને બીજા કલાકારનો ડાયલોગ બોલવા માટે કહી શકે. ‘ઈમામી’ ગ્રુપે પોતાની ‘બોરોપ્લસ’ બ્રાન્ડની એડવર્ટાઈઝ માટે આ સવાલનો જવાબ શોધી નાખ્યો હતો. તેમને કંગના જવાબ તરીકે મળી હતી. હા, કંગનાની એવી ધાકડ ઈમેજ હતી કે તે કોઈને કંઈપણ કહી શકતી હતી, પૂછી શકતી હતી. જોકે હવે તે વધારેપડતી આક્રમક તથા નીડર થઈ ગઈ છે કે તમામ બ્રાન્ડ્સ એનાથી દૂર જવા લાગી છે. એમ કહેવામાં આવે કે કંગનાની બ્રાન્ડ વેલ્યુ પૂરી થઈ રહી છે તો એ જરાય ખોટું નથી. આ માટે માત્ર ને માત્ર કંગનાને જવાબદાર ગણાવી શકાય.

રફ એન્ડ ટફ, પણ સૌંદર્ય તથા ફેશનની દેવી પણ કંગના રનૌત

કંગનાએ જે રીતે અલગ અલગ પાત્રો પ્લે કર્યાં છે એટલી જ વિવિધતા તેણે એન્ડોર્સ કરેલી બ્રાન્ડમાં પણ જોવા મળી છે. રિબોક શૂઝની બ્રાન્ડમાં તેની રફ એન્ડ ટફ ઈમેજ જોવા મળી હતી તો નક્ષત્ર જ્વેલરીમાં તે સૌંદર્યની મૂર્તિ લાગતી હતી. આસ્ક મી ગ્રોસરીની એડમાં તે નેકસ્ટ ડોર ગર્લની ઈમેજમાં હતી. ટાઈટન આઈ પ્લસમાં તે પોતાની ફેશન ચોઈસ ફ્લોન્ટ કરતી હતી, તો લિવોન સિરમ તથા બજાજ આલ્મન્ડ ઓઈલમાં તે પોતાના વાળ સાથે રમત રમતી હતી. વળી, સ્વચ્છ ભારત અભિયાનમાં લક્ષ્મીજીના સ્વરૂપમાં લોકોને પોતાની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવાનું સમજાવતી હતી. આ ઉપરાંત કંગનાએ વોયલા જ્વેલરી, વેરો મોડા ફેશન બ્રાન્ડ, લો મેન પીજી 3, મિંત્રા તથા હિમાચલ પ્રદેશ ટૂરિઝમ માટે પણ જાહેરાત કરી હતી. આ રીતની અલગ અલગ બ્રાન્ડ આજે ભાગ્યે જ કોઈ એક્ટ્રેસે એન્ડોર્સ કરી હશે.

હાલમાં બ્રાન્ડ વેલ્યુના હિસાબે કંગના ટોપ 20માં નથી

આંતરરાષ્ટ્રીય ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સે ત્રણ મહિના પહેલાં જ બ્રાન્ડ વેલ્યુના હિસાબે ભારતની ટોપ 20 સેલિબ્રિટીનું એક લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 50.4 મિલિયન ડોલર (અંદાજે 367 કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુ સાથે દીપિકા પાંચમા સ્થાને, આલિયા છઠ્ઠા, અનુષ્કા 13મા તથા 10.59 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પ્રિયંકા 19મા ક્રમે હતી, એટલે કે કંગનાની બ્રાન્ડ વેલ્યુ આનાથી ઘણી જ ઓછી છે.

કંગના છેલ્લા એક વર્ષથી વિવાદો સર્જી રહી છે, એટલે સો.મીડિયા અકાઉન્ટ બંધ એટલે આવકનો એક સોર્સ પણ ગયો

તમામ સ્ટાર્સ માટે સો.મીડિયા અકાઉન્ટ માત્ર પોતાની ફિલ્મનું પ્રમોશન કે પોતાના ચાહકોની સાથે માત્ર સંપર્ક રાખવાનું સાધન નથી, પરંતુ એ આવકનો સોર્સ પણ છે. સ્ટાર્સના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં સો.મીડિયા પોસ્ટ પણ સામેલ હોય છે. પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન તથા અનેક સેલેબ્સ એક બ્રાન્ડ માટે એક પોસ્ટ કરવા માટે લાખો રૂપિયા લે છે. કંગના ટ્વિટર પર બૅન થઈ ગઈ છે, એનો અર્થ એમ કે સો.મીડિયાના માધ્મયથી થતી આવક પણ બંધ થઈ ગઈ છે. કંગનાના ટ્વિટર પર 30 લાખ ફોલોઅર્સ હતા. જોકે ઈન્સ્ટાગ્રામ પર કંગનાના 80 લાખ ફોલોઅર્સ છે, આથી સો.મીડિયા એન્ડોર્સમેન્ટ થઈ શકે છે, પરંતુ કંગના ઈન્સ્ટાગ્રામ પર કેટલો સમય સુધી ટકે છે એ પણ એક સવાલ છે અને બીજો સૌથી મોટો સવાલ એ કે કઈ બ્રાન્ડ કંગના સાથે જોડાવવા માગે છે!!!

બોલિવૂડમાં કંગના એકલી પડી ગઈ છે?
બોલિવૂડમાંથી અનુપમ ખેર, પરેશ રાવલ તથા મનોજ જોષી જેવા અનેક એક્ટર્સ ભાજપના મુદ્દાને સપોર્ટ કરતી પોસ્ટ કરે છે. જોકે કંગનાનું અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ ભાજપ સમર્થક અનેક સેલેબ્સે એક્ટ્રેસના પક્ષમાં આવ્યા નથી. ભાજપના કેટલાક લોકોએ ટ્વિટર પર #RestoreKangana ટ્રેન્ડ કરાવ્યું હતું. જોકે બોલિવૂડમાંથી એકપણ સેલેબ્સ આ ટ્રેન્ડમાં જોડાયા નહોતા.

પોતાની પ્રોડક્શન કંપની, એકલા ચલો રે?
કંગનાની ‘થલાઈવી’ રિલીઝ થશે. આ ઉપરાંત ‘ધાકડ’ તથા ‘તેજસ’ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ સિવાય કંગનાની પાસે બોલિવૂડનો એકપણ બીજો મોટો પ્રોજેક્ટ નથી. કંગનાએ પોતાની દમદાર એક્ટિંગનો પરચો આપી દીધો છે, પરંતુ હવે ભાગ્યે જ કોઈ કંગનાને પોતાના પ્રોજેક્ટમાં લેવા માગતું હોય. કંગનાએ પોતાની પ્રોડક્શન કંપની લૉન્ચ કરે છે. આગામી સમયમાં કંગના માત્ર પોતાની પ્રોડક્શન કંપનીમાં કામ કરશે અથવા તો ફુલટાઈમ પોલિટિક્સ જોઈ કરશે એવી ચર્ચા છે.

કંગનાની સાથે આવું પહેલી વાર થયું નથી. કંગનાએ પણ સ્વીકાર્યું છે કે ખેડૂત આંદોલન દરમિયાન તેણે પોતાનાં નિવેદનોને કારણે ઘણા બધા એન્ડોર્મેન્ટ ગુમાવવા પડ્યા હતા. આ વાત ખબર હોવા છતાંય તે વિવાદ કેમ કરે છે? શું તે આ આક્રમકતા પોતાના રાજકીય કરિયર માટે સહેતુક બ્રાન્ડ સ્ટ્રેટજી માટે હોઈ શકે છે? કે પછી આ આત્મઘાતી પગલું છે? એક હ્યુમન બ્રાન્ડની દૃષ્ટિબિંદુથી આ શું સૂચિત કરે છે?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *