વિરાટ ખતરામાં / ટીમ ઇન્ડિયામાં થયેલ બદલાવ પર ભડક્યું BCCI, વિરાટની કેપ્ટનસી પર ઉઠ્યા સવાલ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાની ઓપનિંગ પોઝીશનમાં અસમંજસથી BCCI નારાજ છે. વિરાટની કેપ્ટન્સી પર પણ BCCIએ આંગળી ચીંધી છે.

  • ટીમ મેનેજમેન્ટથી BCCI નારાજ 
  • વિરાટ પાસે માંગ્યા સવાલોના જવાબ 
  • ટીમ વધુ ખેલાડીઓની માગ કરે તે યોગ્ય નહી

શુભમન ગિલની ઇજાના લીધે ટેન્શન વધ્યું
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ગયેલી ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની ઇજાના લીધે ટીમનું ટેન્શન વધ્યું છે. તેવામાં ગિલના રિપ્લેસમેન્ટને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ભારતીય ટીમે રિઝર્વ ઓપનર માટે પૃથ્વી શૉ અને દેવદત્ત પડિક્કલમાંથી કોઈ એક ખેલાડીને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે મોકલવા માંગણી કરી છે. અત્યારે આ બંને ખેલાડીઓ 13 જુલાઈથી શરૂ થઈ રહેલી શ્રીલંકા સામેની સિરીઝ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

BCCIએ રિપ્લેસમેન્ટ મોકલવાની અરજીને નકારી 
ભારતીય ટીમના મેનેજરે શુભમન ગિલના 2 રિપ્લેસમેન્ટ ઈંગ્લેન્ડ મોકલવાની અરજીને BCCIએ નકારી દીધી છે. BCCIએ આ સંપૂર્ણ બાબત પર પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે ટીમ સિલેકટ કરવામાં આવે છે ત્યારે કોઈપણ ખેલાડીને ઇજા થાય કે પ્રદર્શન સારું ના હોય તે માટે બેકઅપ ખેલાડીને પણ સાથે લઈ જ જવામાં આવે છે. વિરાટે ટીમની પસંદગી વખતે મયંક અગ્રવાલ અને કે એલ રાહુલને બેકઅપ સ્કવોડમાં રાખ્યા છે તો હવે કે એલ રાહુલને ફક્ત મધ્યક્રમના ખેલાડી તરીકે જ ગણવામાં આવે એ બાબતની ચોખવટ સિલેક્શન વખતે કરવી જોઈતી હતી.

વિરાટની હાજરીમાં જ ટીમની પસંદગી થઈ હતી 
24 ખેલાડીઓની ટીમને વિરાટની હાજરીમાં જ પસંદ કરવામાં આવી હતી તો ત્યારે આ ટીમના સંતુલનને લઈને જો વિરાટ નાખુશ હતો તો એ વખતે જ બદલાવ થઈ શકતો હતો. અભિમન્યુ ઐશ્વરનને બેકઅપ બેટ્સમૅન તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે પરંતુ ઇંગ્લેન્ડના ઘાતક બોલર્સ સામે તેને રમાડવો ના હોય તો તેની પસંદગી પાછળનું કારણ ટીમ મેનેજમેન્ટ બતાવે તો BCCI બૅકઅપ ઓપનર તરીકે શૉ કે પડિક્કલને મોકલવો કે નહીં તેની વિચારણા કરશે.

ટીમ વધુ ખેલાડીઓની માગ કરે તે યોગ્ય નથી
જ્યારે પણ ટીમ ઇન્ડિયાને જરૂર પડી છે ત્યારે હનુમા વિહરીએ ઓપનિંગ કરીને, મધ્યક્રમમાં બેટિંગ કરીને ટીમને મદદ કરી છે. વિહારીને ભારત ફરીથી ઓપનર તરીકે ઉતારી શકે છે. ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસ માટે 24 ખેલાડીઓની પસંદગી કર્યા બાદ પણ મેનેજમેન્ટ નવા ખેલાડીઓને મોકલવાની માગ કરે તે વાતથી BCCI નારાજ છે. પહેલા તો ભારતીય ટીમ પાસે 24 ખેલાડીઓને પસંદ કરવાની સુવિધા નહોતી. લાંબા પ્રવાસ માટે પણ માત્ર 15 ખેલાડીઓની પસંદગી થતી હતી. હવે 24 ખેલાડીઓ હોવા છતાં પણ ટીમ વધુ ખેલાડીઓની માંગ કરે તે યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published.