અન્નદાતાની જીત / જુઓ વાજતે ગાજતે વિજયરેલી બાદ ખેડૂતોની ઘરવાપસી, ઘરે જતા પેહલા ખેડૂતો કરશે આ મોટું કામ : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

સંયુક્ત કિસાન મોરચા (SKM)એ ગુરુવારે આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં CDS રાવત અને અન્ય સેનાના અધિકારીઓનાં મૃત્યુને કારણે ખેડૂતોએ શુક્રવારે જીતની ઉજવણી કરી નહોતી, પરંતુ આજે 11 ડિસેમ્બરે બોર્ડર પરથી ઘરે જતાં પહેલા કિસાન ‘વિજય દિવસ’ મનાવી રહ્યા છે. ઘરે પાછા જતાં પહેલાં બોર્ડર પર જ ખેડૂતો દ્વારા ‘વિજયરેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો આજે જીતની ખુશીમાં ‘વિજયરેલી’ કાઢશે અને પછી તેઓ ઘરે જવા માટે પરત ફરશે.

ખેડૂતો ઘરે પરત ફરી રહ્યા છે
બાંધેલી ગાંસડીઓ, સંકેલી લેવામાં આવેલી તાડપત્રી, કાઢી નાખવામાં આવેલા વાંસ અને રસ્તાની સાઈડમાં એક ઉપર એક ખુરશીઓનો ઢગલો, તેમના સ્પીકરમાં વાગતાં પંજાબી ગીતો સાથે સિંઘુ બોર્ડરનું દૃશ્ય કોઈ સમાપ્ત થયેલા મેળા જેવું લાગતું હતું. સરકારના આશ્વાસન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન સમાપ્તની જાહેરાત બાદ 379મા દિવસે દિલ્હીની બોર્ડર પરથી ખેડૂતોનું ઘરે પાછા જવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બાકી રહેલા ખેડૂતો આજે જીતની ઉજવણી કરતાં વિજયરેલી કાઢશે અને બાદમાં પોત-પોતાનાં ઘરે જવા રવાના થઈ જશે.

500 ટ્રેક્ટર-ટ્રોલી સાથે ખેડૂતો કુંડલી પહોંચ્યા
જીતની ઉજવણીમાં સામેલ થવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો લગભગ 500 ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે કુંડલી પહોંચ્યા છે. સવારે ખેડૂતો પ્રાર્થના કરશે. આ પછી લગભગ બે કલાક લંગર ચલાવવામાં આવશે. લંગર પછી તરત જ ખેડૂતોની ટુકડીઓ સરઘસના રૂપમાં રવાના થશે. સંયુક્ત કિસાન મોરચાએ સરકાર સાથે સંમતિ થયા બાદ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી અને શનિવારથી ઘરે પરત ફરવાની જાહેરાત કરી હતી. બોર્ડર પર બાકીના ખેડૂતોએ પોતાના સામાનનું પેકિંગ પૂરું કરી દીધું અને તેઓ ઘરે રવાના થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. શનિવારે સવારે ખેડૂતોનું પ્રસ્થાન શરૂ થઈ ગયું છે, પરંતુ એ પહેલાં લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. જી.ટી.રોડ પર ટ્રાફિકજામની શક્યતાને જોતા ખેડૂતોએ અલગ-અલગ કાફલામાં જવાનો નિર્ણય લીધો છે.

ખેડૂતો ઘરે જતાં પહેલા આંદોલન સ્થળે સાફ-સફાઈ કરશે
ખેડૂતોનું કહેવું છે કે તેઓ ઘરે પાછા જતાં પહેલાં આંદોલન સ્થળે સાફ-સફાઈ પણ કરશે, જેથી તેમના ગયા પછી કોઈને મુશ્કેલીઓ ન પડે. સરહદ પર મોટી સંખ્યામાં ખેડૂતોના રોકાણ બાદ રહેવા માટેની ઘણી પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, એ કારણે આસપાસ ગંદકી પણ થઈ હતી. ખેડૂતો ઘરે જતાં પહેલા આંદોલન સ્થળની આસપાસ જ્યાં પણ ગંદકી થઈ હશે ત્યાં ખેડૂત સંગઠનો દ્વારા સંપૂર્ણપણે સાફ-સફાઈ કરવામાં આવશે. આંદોલન સ્થળે ખેડૂતો ગ્રુપ બનાવીને સાફ-સફાઈ કરશે.

મિત્રોને મળીશ, 15મીએ ઘરે જઈશ: રાકેશ ટિકૈત
ગાઝીપુર બોર્ડર પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોનું એક મોટું ગ્રુપ આવતીકાલે સવારે આઠ વાગ્યે વિસ્તાર ખાલી કરશે. આજની સભામાં વાત કરીશું, પ્રાર્થના કરીશું. આ સાથે અમે એવા લોકોને મળીશું જેમણે અમારી મદદ કરી. અમારા ખેડૂત ભાઈઓએ ઘર વાપસી શરૂ કરી છે, ચાર-પાંચ દિવસ લાગશે. હું 15મી ડિસેમ્બરે મારા ઘરે જવા નીકળીશ. પંજાબ અને હરિયાણાના ખેડૂતો ઉજવણીમાં જોડાવા માટે લગભગ 500 ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે કુંડલી પહોંચ્યા છે.

ગુરુવારે સાંજથી જ બોર્ડર પરથી ખેડૂતો ઘરે જઈ રહ્યા હતા. જેમની પાસે ઓછો સામાન હતો તેઓ મોરચાની જાહેરાત બાદ જ દિલ્હી બોર્ડર છોડી ગયા હતા. ઘણા ખેડૂતો એવા છે, જેમણે તેમના રોકાણ માટે મોટા મોટા મંચ તૈયાર કર્યા હતા. તેમને દૂર કરવામાં અને બધું પેક કરવામાં આખો દિવસ લાગ્યો. આ ખેડૂતો શનિવારે રવાના થશે. શુક્રવારે પણ સિંધુ બોર્ડર પર ઘણાં ખેડૂત સંગઠનો ટ્રેક્ટરમાં માલ ભરીને ચાલ્યા ગયા હતા. મોટી સંખ્યામાં ટ્રેક્ટરોની અવરજવરને કારણે ટ્રાફિકજામ પણ થયો હતો.

રસ્તામાં અનેક જગ્યાએ ખેડૂતોનું ભવ્ય સ્વાગત કરાશે
ખેડૂત નેતા કહી રહ્યા છે કે આજે દરેક ખેડૂત પોતાનું માથું ઊંચું કરીને પંજાબમાં પ્રવેશ કરશે, સન્માન સાથે ઘરે જશે. રસ્તામાં અનેક જગ્યાએ ખેડૂતોના સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે. 26 જાન્યુઆરી બાદ પ્રથમ વખત એવું બનશે, જ્યારે દેશના રસ્તા પર ફરી એક વખત ટ્રેકટરોની લાંબી લાઇન જોવા મળશે. આ જીતની ઉજવણીની તૈયારી શીખ પરંપરા મુજબ શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સાથે ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી છે.રાજા-મહારાજાની જેમ ખેડૂતોની આગળ ઘોડાગાડીનો કાફલો અને ખેડૂતોનો મોટો કાફલો ચાલી રહ્યો છે.

નાસ્તો ટીકરીમાં, સાંજનું લંગર બઠિંડામાં
બહાદુરગઢની ટીકરી બોર્ડરથી રવાના થતાં પહેલા ખેડૂતો સવારનો નાસ્તો અહીં જ કરશે. ત્યારબાદ બપોરનું લંગર રસ્તામાં આવતા ટોલ પ્લાઝા અને ટોહાનામાં કરશે. ત્યારબાદ સાંજના લંગરની
વ્યવસ્થા બઠિંડામાં કરવામાં આવી છે. ત્યારબાદ ખેડૂતો ઘરે પહોંચશે. ઘરે જતાં પહેલા રસ્તામાં આવતા કટાર સિંહ, ગુરુદ્વારા બંગા સાહિબ, ગુરુદ્વારા સાહિબ, ગુરુદ્વારા તલવંડીમાં ખેડૂતો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટીકરી બોર્ડરથી ખેડૂતો બે કાફલામાં રવાના થશે. એક કાફલો જીન્દ તરફથી પટિયાલા અને બીજી કાફલો હાંસી-હિસાર થઈને બઠિંડા જશે.

રસ્તામાં ખેડૂતો માટે પકવાન બનાવવામાં આવી રહ્યા છે
ઘરે જઇ રહેલા ખેડૂતોનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. કેટલાક સ્થળે ડ્રોન દ્વારા ખેડૂતો પર ફુલ વરસાવવામાં આવશે. રસ્તામાં ખેડૂતો માટે પકવાન પણ બનાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો માટે ખીર, હળવો, પૂરી, જલેબી અને શાક-રોટલી બનાવવામાં આવી રહ્યા છે.

15 ડિસેમ્બરે દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની બેઠક
ખેડૂતો એકસાથે સવારે 10:30 વાગ્યાથી ઘરે જવાનું શરૂ કરશે. 13 ડિસેમ્બરે ખેડૂતો અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લેશે. જ્યારે 15 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠક દિલ્હીમાં યોજાશે. ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આંદોલન સ્થગિત કરી રહ્યા છે, કારણ કે જે પ્રસ્તાવ છે એ હજુ સુધી સંપૂર્ણ રીતે માનવામાં આવ્યો નથી તેમની કિસાન સંયુક્ત મોરચા દર મહિને સમીક્ષા કરશે. ખેડૂતોની માગણીઓ લાંબા સમય સુધી પડતર રહેશે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે.

સંયુક્ત કિસાન મોરચાની સત્તાવાર જાહેરાત બાદ ખેડૂતો ખુશીથી ઘરે પાછા જવા માટે તૈયાર છે. જ્યારે આખા વર્ષથી સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમનો સામાન, તંબુઓ પેક કરવાનું શરૂ કરી દીધું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/11/65-kisan-andolanpunita_1639202287/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.