ગુજરાતમાં ગઈકાલે ઓમિક્રોન વેરિયન્ટના 9 નવા કેસ સામે આવ્યા
ગુજરાતમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પડી હતી. જેમાં પણ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ અંગે બીજા રાજ્યોની જેમ કડમ અમલ કરવાને બદલે માત્ર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અંગે જ ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, બીજી બાજુ ઓમિક્રોનના કેસ પણ તેવી જ રીતે ઝડપથી વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં 23 કેસ આવી ચૂક્યા છે.
એક તરફ ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ-2022નું આયોજન કરી રહી છે. 10થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે. અલબત્ત, વાયબ્રન્ટ સમિટ એવા સમયે થવા જઈ રહી છે જયારે ગુજરાતમાં ઓમિક્રોન અને કોરોનાના કેસ વધી રહ્યા છે. વાયબ્રન્ટ સમિટમાં ભયસ્થાન એ છે કે માટાભાગના અતિથિઓ વિદેશથી આવવાના છે અને તેના કારણે સંક્રમણ વધવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
રાજ્યમાં 95 ટકા કોરોના રસીકરણ પૂર્ણ : બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
દેશમાં 17 રાજ્યમાં ઓમિક્રોનના 287 કેસ : દેશમાં 17 રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 287 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 65, દિલ્હીમાં 57, તમિલનાડુમાં 34, કેરળ અને તેલંગાણામાં 24-24, ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 22, કર્ણાટકમાં 19, હરિયાણામાં 4, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં 3-3, ઓડિશા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ 2-2, ચંદિગઢ, લદ્દાખ અને ઉતરાખંડ 1-1 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં ઓમિક્રોનના 23 કેસ : બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ પાંચ કેસ જ્યારે મહેસાણા અને આણંદમાં 2-2 કેસ મળ્યા. જિલ્લા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, આણંદમાં 3 તથા રાજકોટમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે. આમ કુલ 23 જેટલો ઓમિક્રોનના કેસ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.
સરકારની સુશાસન સપ્તાહ ઉજવવાની જાહેરાત : એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, બીજી તરફ ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા આગામી 26થી 31 ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સાબરમતી, નર્મદા તથા તાપી નદીના કાંઠે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક બાજુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, બીજી તરફ સરકાર ઉજવણી કરવાની તૈયારીમાં વ્યસ્ત છે.
આ બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!