બાવાના વેશમાં આવેલા ચોરોએ બજરંગદાસ બાપા સાથે કર્યું હતું આવું વર્તન, પછી જે થયું એ પરચો જાણીને તમે પણ કહેશો જય હો બજરંગદાસ બાપાની…

ટોપ ન્યૂઝ ગુજરાત

સંત શિરોમણી બજરંગદાસ બાપાને કોટીકોટી વંદન

રાજપરા (૨)ના શ્રી કરમશી જીવાભાઈ મકવાણાએ એક પ્રસંગની વાત લખી મોકલી છે અને જણાવ્યું છે કે : આ વાત તેમણે બાપાશ્રીના સ્વમુખેથી સાંભળેલી છે, જ્યારે પોતે ૧૯૭૪ માં બાપાશ્રીના દર્શને બગદાણા ગયેલા ત્યારે. બાપાશ્રીએ વાત શરૂ કરી કે :

“દિ” આથમી ગયો હતો, ગાયોનું ધણ ગામમાં આવી ગયું હતું, ગામના ઠાકર મંદિરે આરતી થઈ રહી હતી, ઝાલરને શંખનાદ સંભળાતા હતા. હું અત્યારે જ્યાં આ કોથળા પર બેઠો છું. ત્યાં બેઠો બેઠો રામ સ્મરણ કરતો હતો ત્યાં ચાર બાવા અહીં આવ્યા. મને દંડવત કરીને બેઠા. બે સૂકલકડી હતા જ્યારે બે મારા જેવા હતા. મને કહે, આજની રાત રહેવું છે, અમે સવારે ચાલ્યા જઈશું”.

મેં કહ્યું : રહો, ઘણી જગ્યા છે. ચારેયે જમી લીધું, પછી મેં બૂમ મારી : પ્રતાપ… ! એ… પ્રતાપ ! આ ચારેયને આસન પથારી કરી દો. થોડીવારે આસન થઈ જતાં તેઓ ત્યાં ગયા. અને હું તો જે જગ્યાએ બેઠો હતો ત્યાં જ સીતારામ સીતારામ કરતો રહેલો. રાતના સાડાબારેક નો સુમાર હશે, ત્યાં બાવા બેઠા થયા અને ચીપિયો લઈને મારી નજીક આવ્યા.

મેં પૂછ્યું કેમ એલા, ઊંઘ આવતી નથી? હજી કેમ જાગો છો? કોઈ કાંઈ બોલ્યા નહિ. હું પાછો આંખો બંધ કરી સીતારામ… સીતારામ… કરવા લાગ્યો. થોડીવાર પછી આંખ ઉઘાડી તો મારી પાસે બાવાઓ ઊભા જ હતા. એકબીજા સામે સનસ કરી ચીપિયા ઊંચા કર્યા. હું તો ત્યાં બેઠો હતો, મને કહે, અવાજ કર્યો છે ને, તો મા-રી-ના-ખીશું ! મારું મોટું શરીર, ઊભું જટ થવાય નહિ. મેં કહ્યું : એલા, કંઈ વાંક-ગૂનો? કે બસ મા-રી-જ નાખવો છે?

એક બાવો બોલ્યો : રૂપિયા ક્યાં છે? બોલ.  હું ખડખડાટ હસી પડ્યો અને કહ્યું : રૂપિયા તો છે, પણ એમ મળે નહિ. લ્યો પ્રતાપ ને બોલાવું જગ્યાની ચાવી એની પાસે છે. મારી પાસે તો આ પહેરલ બંડી છે ને ધોતી જ છે.એ બાવો કહે : નહિ. કોઈને બોલાવો તો મા-રી-ના-ખીએ. પછી તો ભાઈ હું મુંજાણો. મનમાં સીતારામને સ્મરીને મેં કહ્યું : એલા સાંભળો : પૈસા મારી નીચે દાટેલા છે આપણે એક કામ કરીએ. તમે એકેક મારી સાથે બાથોબાથ આવો. જે પાડી દે એ પૈસા રાખે. એક જાડો બાવો તૈયાર થયો, બાથોબાથ બાંધવાનું નક્કી થયું.

મેં મનોમન કહ્યું, હવે મારો રામ આવે તો સારું નહિતર આ બાવા રહેવા નહિ દે! પછી તો ભાઈ મેં ચારેયના ચીપિયા નીચે મુકાવી દીધા. કારણકે મારા બેટા એકાદાએ પેટમાં ચીપિયો ઝીંક્યો હોય તો ક્યાં જવું?

પણ ભાઈ ! સૌનો રામ છે ને ! જીતના તારા ગગન મેં, ઈતના દુશ્મન હોય; કૃપા હોય રઘુનાથ કી, બાલ ન બાંકો હોય.

પછી હું ઊભો થયો, ત્રણ બાવાઓ એક બાજુ થોડા દૂર હારબંધ ઊભા અને એક જાડીયો મારી સામે આવ્યો. બરાબર એ જ વખતે ગામ બહાર એક મોટરનો હોર્ન સંભળાયો ત્યાં તો આશ્રમના દરવાજે મોટર આવી અને “સીતારામ બાપા” શબ્દો કાને પડ્યા. મારામાં જીવ આવ્યો ને બાવાઓનો જીવ ઉપર ચડવા લાગ્યો !

મોટરમાંથી કિરીટસિંહભાઈ અને બીજા બે ભાઈઓ ઊતર્યા એ બંને પાસે કુ હાડીને લાકડીઓ હતી. એમને મેં કહ્યું સીતારામ ! આ બાવાઓને મા-રી-નાખો, એ આગળ આવ્યા. બાવાઓ મારા પગમાં પડી ગયા ને માફી માંગવા માંડ્યા. મેં કહ્યું તમારા પર દયા ન હોય ! આ કિરીટસિંહ ભાઈ ન આવ્યા હોત તો તમે મને મા-રી-જનાખત ને !

પેલા બેઉ ભાઈઓએ લાકડી ને કુ હાડી ઊંચી કરેલ. મેં એને સનસ કરી દીધેલ છે કે મા-ર-વા-નથી. બાવાઓ કગરવા માંડ્યા. મેં કહ્યું કોઈ જગ્યામાં આવું કરશો? બાવાઓએ કહ્યું : ક્યાંય નહિ કરીએ બાપા, અમને જવા દો.

બાવા ગયા પછી મેં કિરીટ ભાઈને બધી વાત કરી. ઉપરોક્ત પ્રસંગ જૂની મઢી વખતનો છે ત્યારે નાથુભાઈ પંચાણભાઈ કે જેવો ભાવનગરના છે અને પૂજ્ય બાપાશ્રીના જુના સેવક છે તેઓ ખડની ગાડી ચલાવતા અને ઉપરોક્ત ઘટના વખતે તેઓએ મોટરનો હોર્ન મારેલ અને પૂજ્ય બાપાશ્રીએ નાથુભાઈને આ વાત કરેલ અને આ બાવાઓને મારવાની ના પાડેલ અને જણાવેલ કે સિહોર બાજુ તેમને ખટારામાં બેસાડી લઈ જવા અને ત્યાં ઉતારી દેવા.

જય સિયારામ, બાપા સિતારામ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.