BREAKING NEWS / આ એવું હેલિકોપ્ટર છે જેને હરાવવાની તાકાત દુશ્મનમાં પણ નથી, તો પછી ક્રેશ કેવી રીતે થયું?, જુઓ રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આપ્યું મોટું નિવેદન

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં આ હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન આપ્યું.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર : રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે હેલિકોપ્ટર અકસ્માતમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર વેલિંગ્ટનની મિલેટ્રી હોસ્પિટલમાં ચાલુ છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.

રાજનાથ સિંહનું મોટું નિવેદન : આ અકસ્માત અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નિવેદન આપ્યું. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બુધવારે 12.08 વાગે હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો, જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા.’ તેમણે કહ્યું કે Mi 17 હેલિકોપ્ટરે સવારે 11.48 વાગે સુલુરથી ઉડાણ ભરી. તે 12.15 વાગે વેલિંગ્ટન લેન્ડ કરવાનું હતું. પરંતુ 12.08 મિનિટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળ્યો તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13ના મૃત્યુ થયા. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સામેલ હતા.

તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ સ્તરીય તપાસ (Tri-service Inquiry)ના આદેશ આપ્યા છે. તપાસનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. કાલે જ તપાસ ટીમ વેલિંગ્ટન પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. આજ સાંજ સુધીમાં સીડીએસ સહિત તમામ લોકોના પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવશે અને પૂરેપૂરા સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે.

હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું : ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે તમિલનાડુના કુન્નૂર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ સામે આવશે. તમિલાડુના કુન્નૂર નજીક ક્રેશ થતાં પહેલા સીડીએસ બિપિન રાવત અને અન્ય 13 લોકોને લઈ જતાં એમઆઈ-17 હેલિકોપ્ટરની અંતિમ ક્ષણો ત્યાં સ્થાનિકો ઉતાર્યો હતો. દરમિયાન ડાયરેકટર શ્રીનિવાસનની આગેવાની હેઠળ તમિલનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની ટીમ કુન્નૂરના કેટારી નજીક અકસ્માત સ્થળે પહોંચી છે.ત્યાં પહેલેથી જ એરફોર્સની ટીમ હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ રિકવર કર્યું છે. આ બ્લેક બોક્સ હવે બતાવશે કે, છેલ્લી ઘડીએ શું થયું હતું.

બ્લેક બોક્સ એટલે શું : કોઈ પણ વિમાન અથવા હેલિકોપ્ટરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બ્લેક બોક્સ છે. તે હેલિકોપ્ટર અથવા વિમાનની ઉડાન દરમિયાન વિમાન સાથે સંકળાયેલી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે. તે પાઈલટ અને એટીસી વચ્ચેની વાતચીતના રેકોર્ડ એકત્રિત કરે છે. આ ઉપરાંત પાયલોટ અને કો પાઈલટ વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવી છે. તેને ડેટા રેકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઘટના સ્થળે પહોંચ્યા વાયુસેના ચીફ  : એર ચીફ માર્શલ વી આર ચૌધરે આજે સવારે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચ્યા. તેમની સાથે તમિલનાડુના ડીજીપી સી સયલેન્દ્રબાબુ પણ હતા.

શુક્રવારે થશે અંતિમ સંસ્કાર : પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા.

જનરલ રાવતના નિધન પર અમેરિકાએ પણ દુખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે જનરલ બિપિન રાવત ભારત-અમેરિકા રક્ષા સંબંધોના પ્રબળ સમર્થક હતા અને તેમણે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવામાં મદદ કરી. નેડ પ્રાઈસે ડેઈલી ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં હેલિકોપ્ટર ક્રેશમાં ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય લોકોના મોત અંગે જાણીને અમને ખુબ દુ:ખ થયું છે. જનરલ રાવત એક મહત્વપૂર્ણ ભાગીદાર હતા. તે પહેલા અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનના પ્રેસ સચિવ જ્હોન કિર્બીએ કહ્યું કે સમગ્ર અમેરિકા રક્ષા વિભાગ અને રક્ષામંત્રી લોયડ ઓસ્ટિને હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવતના દુ:ખદ મોત બાદ રાવત પરિવાર, ભારતીય સેના અને ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકિંને પણ કહ્યું કે દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમના પત્ની અને સહયોગીઓના મોત પર મારી ઊંડી સંવેદના. અમે જનરલ રાવતને અસાધારણ લીડર તરીકે યાદ રાખીશું. રાવતે દેશની સેવા કરી અને અમેરિકા-ભારત રક્ષા સંબંધોમાં પોતાનું યોગદાન આપ્યું.

કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ : વાયુસેનાએ કહ્યું કે એમઆઈ-17 વીએચ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ અકસ્માતના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. હેલિકોપ્ટરે કોયંબતુરની પાસે સુલુર વાયુસેના બેસથી ઉડાણ ભરી હતી અને કુન્નૂર ફાયર વિભાગને 12 વાગે ઘટનાની સૂચના મળી હતી.

અધિકૃત સૂત્રો અને એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ધુમ્મસની સ્થિતિમાં હેલિકોપ્ટર ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. આ દરમિયાન એક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હેલિકોપ્ટર ઝાડ સાથે ટકરાતા જમીન પર પડ્યું અને પડતા જ તેમાં આગ લાગી ગઈ. એક પ્રત્યક્ષદર્શી પેરુમલે જણાવ્યું કે હેલિકોપ્ટર પડતાની સાથે જ એક મકાન સાથે પણ ટકરાયું. જો કે ઘરમાં અકસ્માત સમયે કોઈ ન હોવાના કારણે જાનહાનિ થઈ નહીં. પરંતુ મકાનને તેનાથી નુકસાન થયું. તેમણે જણાવ્યું કે આગની જ્વાળામાં લપેટાયેલા બે વ્યક્તિ હેલિકોપ્ટરથી નીચે પડ્યા.

અત્યારસુધીના આ દુર્ઘટનાના જે ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યા છે એની પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી, હવામાન એવું જ હતું. હેલિકોપ્ટર ક્રેશ થયું અને ઝાડ પર પડ્યું. પછીથી એમાં આગ લાગી ગઈ હતી. હવે સવાલ એવો છે કે હવામાન ઉડાન ભરવાલાયક હતું જ નહિ તો હેલિકોપ્ટરે કોના કહેવા પર ઉડાન ભરી? શું પાયલોટ પર ટેક-ઓફ માટે દબાણ કરવામાં આવ્યું હતું?

સવાલ તો ઊઠશે
આ દુર્ઘટના પર ઊભા થતા વિવિધ સવાલો પર અંગ્રેજી ન્યૂઝપેપર ‘ધ હિન્દુ’એ એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. એ મુજબ 2 સપ્ટેમ્બર 2009ના રોજ આંધ્રપ્રદેશના ત્યારના મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખરનું હેલિકોપ્ટર કર્નૂલની નજીક ક્રેશ થયું હતું. એ સમયે પણ હવામાન ખરાબ હતું. જોકે તેમ છતાં ઉડાન માટે પાયલોટ પર દબાણ કરવામાં આવ્યું હતું. પછીથી આ અંગે બેવાર તપાસ કરવામાં આવી હતી. એમાં સીબીઆઈ તપાસ પણ સામેલ હતી. જોકે પછીથી એમાંથી કોઈપણ પ્રકારની શીખ લેવામાં આવી નહોતી. અને આ પ્રકારનો ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો.

કુન્નુરમાં શું થયું હશે : હવામાન ખરાબ હતું. વાદળોની ઊંચાઈ ખૂબ જ ઓછી હતી. આ કારણે જ કદાચ હેલિકોપ્ટર ખૂબ જ ઓછી ઊંચાઈ પર ઊડી રહ્યું હતું. આ દરમિયાન એ ઝાડ પર પડ્યું અને ક્રેશ થયું હતું. બીજી વાત એ પણ છે કે વરસાદ પડી રહ્યો હતો અને વિઝિબિલિટી ઓછી હતી. સામાન્ય રીત એવું બન્યું છે કે જ્યારે વાદળ નીચાં હોય અને વરસાદ પડી રહ્યો હોય તો આ પ્રકારની દુર્ઘટના બને છે. સવાલ એ છે કે શું કોર્ટ ઓફ ઈન્કવાયરી ટ્રાન્સપરન્ટ હશે? તપાસમાં એ વાતને પણ સામેલ કરવામાં આવશે કે ખરાબ હવામાન હોવા છતાં ક્યાંક પાયલોટ પર ઉડાન ભરવાનું દબાણ તો નહોતુંને?

MI-17 પાવરફુલ હેલિકોપ્ટર : M-17માં પાવરફુલ એન્જિન છે અને એનું લેન્ડિંગ ખૂબ જ સેફ હોય છે. જો એ નીચે ઉડાન ભરતું હોય તોપણ એ ઝાડ સાથે અથડાઈ શકે છે. આ અંગે હાલ માત્ર કલ્પના જ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખૂબ અનુભવી પાયલોટ પણ ભૂલ કરી બેસે છે. એ બાબત પણ જોવી જોઈએ કે શું બંને પાયલોટ બહાર જ જોઈ રહ્યા હતા કે તેમની નજર માત્ર ફલાઈટના ડિસ્પ્લે પર જ હતી. કુન્નુર જેવા પહાડી અને જંગલી વિસ્તામાં તો આ વધુ મુશ્કેલ છે. MI-17 એન્જિનની મદદ માટે ફુલ ઓથોરિટી ડિજિટલ ઈલેક્ટ્રોનિક કન્ટ્રોલ સિસ્ટમ હોય છે. પાયલોટ ખૂબ જ ઝડપથી હેલિકોપ્ટરને ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જોકે આ બાબતોનો જવાબ તપાસ પછી મળી શકે છે.

VVIPsની શું હોઈ છે ફરજ : VVIPs એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમનાથી વધુ માહિતી કોકપિટમાં બેઠેલા લોકોને હોય છે, કારણ કે તે પોતાના કામના માસ્ટર હોય છે. પછી એ સિવિલ એવિએશનની બાબત હોય કે મિલિટરીની. આ બાબત પણ કન્ટ્રોલ્ડ ફ્લાઈટ ઈનટુ ટેરેનનો છે. આ સ્થિતિમાં પણ ઉડાન ન ભરવી જોઈએ. ભલે પછી દબાણ કેમ ન કરવામાં આવે.

સૌથી આધુનિક છે આ હેલિકોપ્ટર : સરળ શબ્દોમાં સમજીએ તો આ હેલિકોપ્ટર એટલું આધુનિક છે કે તેનો ઉપયોગ આંખ બંધ કરીને થઈ શકે છે અને આમ થતું પણ હોય છે. પ્રધાનમંત્રી મોદી પણ ઘરેલુ ઉડાણ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સેનામાં પણ VVIP મૂવમેન્ટ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. રશિયન બનાવટના MI સિરીઝના 150 હેલિકોપ્ટર હાલ ભારત પાસે છે અને આ હેલિકોપ્ટર વધુ જૂના નથી. ભારતને 2011થી 2018 બાદ આ તમામ હેલિકોપ્ટર મળેલા છે. પરંતુ વિચારો કે આ કેટલું અપમાનનો વિષય છે કે ભારતના ઈતિહાસના પહેલા CDS નું તેમના જ હેલિકોપ્ટરમાં મૃત્યુ થઈ જાય છે.

ભારતીય સેનામાં વિમાન ક્રેશની આટલી ઘટનાઓ કેમ ઘટે છે? વર્ષ 1948થી 2021 વચ્ચે એટલે કે છેલ્લા 73 વર્ષમાં સેનાના 1751 એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂક્યા છે. એટલે કે એ હિસાબે દર વર્ષે સરેરાશ 24 અને દર મહિને સેનાના 2 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે. જો વાત ફક્ત વર્ષ 1994થી 2014 વચ્ચેની કરીએ તો આ દરમિયાન ભારતીય સેનાના 394 એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર ક્રેશ થયા છે. એટલે કે આ દરમિયાન દર વર્ષે સરેરાશ 20 વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા.

વિમાન ક્રેશ થવાની ઘટનાઓ ઓછી થતી નથી : તેનો અર્થ એ થયો કે ભારતમાં વિમાન ક્રેશ થવાનો સિલસિલો હજુ પણ બદલાયો નથી. આઝાદી બાદ શરૂઆતી વર્ષોમાં પણ આ પ્રકારે સેનાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા હતા અને હવે આધુનિકતાના દૌરમાં પણ આ દુર્ઘટનાઓ ઘટવાનું નામ લેતી નથી. જ્યારે બીજા દેશોમાં આવું નથી. દાખલા તરીકે ભારત, રશિયા, ચીન ત્રણેય દેશો સુખોઈ ફાઈટર વિમાનો વાપરે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભારતમાં વર્ષ 2009થી 2015 વચ્ચે આ વિમાન 6 વાર ક્રેશ થયું. જ્યારે આ જ સમયગાળામાં રશિયા અને ચીનમાં આ વિમાનના ક્રેશ થવાની 1 કે 2 ઘટનાઓ જ સામે આવી. જ્યારે આ દેશો પાસે ભારત કરતા વધુ સુખોઈ ફાઈટર વિમાનો છે.

થોડા વર્ષો પહેલા ભારતે દુનિયાનો સૌથી આધુનિક અને સૌથી મોટું ટ્રાન્સપોર્ટ વિમાન C130-J સુપર હરક્યુલ્સ ખરીદ્યુ તું. તે સમયે અમેરિકા પાસેથી આવા 6 વિમાન ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત 7 હજાર કરોડ રૂપિયા હતી. એટલે કે એક વિમાન લગભગ 1150 કરોડ રૂપિયાનું હતું. આ વિમાનોની ખાસિયત એ હતી કે તેને લેન્ડિંગ માટે એરસ્ટ્રિપની જરૂર પડતી નથી અને તે દરેક મોસમમાં ઓપરેટ કરી શકાય છે. અમેરિકાની જે કંપનીએ આ વિમાનને બનાવ્યું તે કહે છે કે આ વિમાનને એ રીતે ડિઝાઈન કરાયું છે જેથી કરીને મુશ્કેલ સમયમાં પણ ક્રેશ થવાથી પોતાને બચાવી શકે અને ભારતને બાદ કરતા જે દેશોમાં આ એરક્રાફ્ટનો ઉપયોગ થાય છે ત્યાં તેના ક્રેશ થવાની કોઈ ઘટના સામે આવી નથી. પરંતુ ભારતના મામલામાં તસવીર અલગ છે. ભારતમાં વર્ષ 2014માં જ એક C-130J સુપર હરક્યુલ્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને ભારત સરકારે પોતાના તપાસ રિપોર્ટમાં સ્વીકાર્યું હતું કે આ અકસ્માત પાઈલટની ભૂલના કારણે થયો હતો. કારણ કે તેની ટ્રેનિંગમાં થોડી કમી હતી. વર્ષ 2017માં પણ આ સિરીઝનું એક વધુ વિમાન ગડબડીના કરાણે લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. વિચારો કે જે વિમાન અન્ય કોઈ દેશમાં ક્રેશ ન થયું તે ભારતમાં ક્રેશ થયું.

શા માટે સેનાના વિમાન જ વધુ થાય છે ક્રેશ : ભારતમાં પ્રતિ દિન 4 થી 5 હજાર મુસાફર વિમાન ઉડાણ ભરે છે. જેમાં લાખો મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાયછે. જ્યારે એક અંદાજ મુજબ સેનામાં પ્રતિ દિવસ ટ્રેનિંગ અને અન્ય કામો માટે ફક્ત 200 વિમાન જ ઉડાણ ભરે છે. જો કે આ સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે. પરંતુ આમ છતાં મુસાફર વિમાનોની સરખામણીમાં સેનાના વિમાન વધુ ક્રેશ થાય છે. વર્ષ 1945થી 2021 વચ્ચે છેલ્લા 76 વર્ષોમાં 95 મુસાફર વિમાનો જ ક્રેશ થયા છે. જ્યારે આ જ સમયગાળામાં સેનાના 1751 વિમાન ક્રેશ થયા છે.

ક્રેશ વિમાનોની સિરીઝ શું હોય છે : કોઈ પણ દેશમાં જ્યારે કોઈ મુસાફર વિમાન ક્રેશ થાય છે ત્યારે તે વિમાનમાં ટેક્નિકલ ખામીઓની તરત તપાસ થાય છે અને અનેક મામલામાં તપાસ થવા સુધીમાં તે સિરીઝના મુસાફર વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાય છે. જેમ કે 2018માં Boeing 737 Max સિરીઝના બે મુસાફર વિમાન ક્રેશ થયા હતા ત્યારબાદ ભારત સહિત મોટાભાગના દેશોએ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. લગભગ 1.5 વર્ષ સુધી આ વિમાન રનવે પર ઊભા રહેતા હતા. પરંતુ સેનામાં આ પ્રક્રિયાને અપનાવવામાં આવતી નથી. દાખલા તરીકે ભારતમાં વર્ષ 2012 સુધીમાં મિગ સિરીઝના 972માંથી 482 વિમાન ક્રેશ થયા. એટલે કે અડધા કરતા વધુ વિમાનો સમય સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા. પરંતુ આમ છતાં આ વિમાનોનો ઉપયોગ અનેક દાયકા સુધી થયો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.